(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
સીબીઆઇની ખાસ અદાલતે ઘાસચારા કોંભાડના ચોથા કેસમાં આરજેડીના નેતા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ યાદવને સાત-સાત વર્ષની સજા ફટકારી હતી. સાથે સાથે ૬૦ લાખ રૂપિયાનો જંગી દંડ પણ ફટકારતા કોર્ટ રૂમમાં સોપો પડી ગયો હતો. દુુમકા તિજોરીમાંથી ગેરકાયદે જંગી નાણાંની ઉચાપત સાથે સંબંધિત આ મામલો રહેલો છે. લાલુના વકીલ પ્રભાત કુમારે કહ્યું હતું કે, લાલુને બે જુદી જુદી કલમોમાં સાત-સાત વર્ષની સજા કરવામાં આવી છે. અલબત કુલ ૧૪ વર્ષની સજાને લઈને આજે ચર્ચા રહી હતી. કોર્ટમાં ઉપસ્થિત વકીલ વિષ્ણુ કુમાર શર્માએ કહ્યું હતું કે, આ મામલામાં બે જુદી જુદી કલમોમાં લાલુને સજા કરવામાં આવી છે. આ પ્રકારથી સાત સાત વર્ષની સજા કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે, એક સજા પુરી થયા બાદ બીજી સજા શરૂ થશે. ઘાસચારા કૌભાંડના છ પૈકી ચાર કેસોમાં લાલૂ યાદવને દોષિત જાહેર કરવામાં આવ્યા બાદ હવે સજા આપવામાં આવી ચુકી છે ડુમકા તિજોરીમાંથી ગેરકાયદે નાણાંકીય ઉચાપતના મામલામાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેમની સાથે મહેન્દ્રસિંહ બેદી, અધિકચંદ્ર, ધ્રુવ ભગત અને અનંતકુમારને પણ નિર્દોષ છોડવામાં આવ્યા હતા. આ મામલામાં ગયા શનિવારના દિવસે ચુકાદો આવનાર હતો પરંતુ ટાળી દેવામાં આવ્યો હતો. આ અગાઉ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં લાલૂને દેવઘર મામલામાં સજા ફટકારવામાં આવી હતી. ઘાસચારા કૌભાંડના ત્રણ કેસો પૈકી ત્રીજા કેસમાં લાલૂ અને જગન્નાથ મિશ્રાને ચાઇબાસા તિજોરીમાંથી ઉચાપત બદલ ૫-૫ વર્ષની સજા ફટકારી હતી. ઘાસચારા કોંભાડનો ચોથો કેસ ડુમકા તિજોરીમાંથી ૩.૧૩ કરોડ રૂપિયાની ઉચાપત સાથે સંબંધિત છે. ૬૯ વષીય લાલુ યાદવ હાલમાં ગયા વર્ષે સજા કરવામાં આવ્યા બાદથી ડિસેમ્બર મહિનાથી બિરસા મુન્ડા જેલમાં છે. રાંચીમાં ડોરાન્ડા તિજોરીમાંથી ૧૩૯ કરોડ રૂપિયાની ઉંચાપત સાથે સંબંધિત મામલો હજુ પેન્ડિંગ છે. લાલુને ઘાસચારા કૌભાંડના ત્રણ કેસમાં પહેલાથી જ સજા આપવામાં આવી ચુકી છે. જ્યારે મિશ્રાને ઝારખંડમાં જુદી જુદી કોર્ટ દ્વારા બે ઘાસચારા કૌભાંડ કેસમાં અપરાધી જાહેર કરાયા છે.
ઘાસચારા કૌભાંડમાં લાલુની સજા બાદ રાજદ-ભાજપે એકબીજા સામે તલવાર તાણી

ઘાસચારા કૌભાંડમાં લાલુની સજા બાદ રાજદ-ભાજપે એકબીજા સામે તલવાર તાણી છે. રાજદે સીબીઆઈ તપાસ અને સજાને રાજકીય પ્રેરિત ગણાવી. તો બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું કે કાયદાએ તેનું કામ કર્યું છે. ઘાસચારા કૌભાંડમાં આ કંઈ પહેલો કેસ નથી, બધાએ તેનું સન્માન કરવું જોઈએ. સુશીલ મોદીએ પોતાના તેજસ્વી યાદવના એવા આક્ષેપનો ઈન્કાર કર્યો કે તેમના પિતાને જીવનું જોખમ છે. કેન્દ્રીય મંત્રી ગીરીરાજ સિંહે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કોર્ટ પોતાની રીતે કામ કરે છે. તેઓ આ મુદ્દે ટીપ્પણી કરવા માંગતા નથી. તેમણે ઉમેર્યું હતું કે, આ કોઈ પાર્ટીનો ચુકાદો નથી કોર્ટનો ચુકાદો છે. જેવા કામ કરેલા છે તેવા કામ બદલ હવે સજા થઈ રહી છે. બીજી બાજુ તેજસ્વીના આક્ષેપોનો જવાબ આપતા બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિને પોલીસ કસ્ટડીમાં હોવા છતા પોતાની જાનને ખતરો લાગે છે તો તે વ્યક્તિને કોર્ટમાં અપીલ કરવી જોઈએ.