ધંધુકા, તા.૧૯

બાજરડા ગામે ચતુરી નદી પર પુલ બનાવવા બુલંદ લોક માંગ ઊઠવા પામી છે. નદીમાં પૂર આવે ત્યારે હિન્દુ-મુસ્લિમ સમાજના લોકોને અંતિમક્રિયા કરવા ભારે તકલીફ વેઠવી પડી રહી છે. ધંધુકાના બાજરડા ગામે ચતુર નદી ઉપર પુલના અભાવે ગામના હિંદુ અને મુસ્લિમ બંને સમાજના લોકોને કબ્રસ્તાન સ્મશાન તરફ જવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બંને સમાજના ધાર્મિક અંતિમક્રિયા સ્થળ તરફ જવાનો આ એક જ માર્ગ છે તેથી ચોમાસાના સમય દરમિયાન જ્યારે નદીમાં પાણીનું પૂર આવે ત્યારે કલાકોના કલાકો સુધી મૈયત નદીમાંથી પસાર કરી શકતા નથી અને આખરે ગામના તરવૈયા મારફત નદીના બંને કાંઠે સામ-સામે દોરડાઓ  બાંધીને જીવના જોખમે મૈયતની અંતિમવિધિ માટે લઈ જવામાં આવે છે. મળતી વિગત મુજબ ગત વર્ષે ધંધુકા પંથક સહિત ઉપરવાસમાં સાંબેલાધાર વરસાદ પડતા નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું અને બાજરડા ગામ તાલુકા મથકથી સંપર્ક વિહોણું બની ગયું હતું અને આવા સમયે જ ગામના એક વડીલ આલીભાઈ રેમાનભાઈ વડદરિયા (ઉ.વ.૭૦)નું અવસાન થયું હતું અને બીજી તરફ ગામના યુવાન ઈશાભાઈ સંઘરિયાત (ઉ.વ.૪૦) ધાબા ઉપરથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા. પરંતુ ચતુર નદી પર  પાણીનો પ્રવાહ હોવાથી તથા પુલના અભાવે લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા અને ગામના મોટાભાગના લોકો ભેગા થઈને ગામના તરવૈયા મારફત મહા મુસીબતે મરણજનારનો જનાજો અને બીમાર વ્યક્તિને નદી પાર કરાવાની ફરજ પડી હતી. તથા આ વર્ષે પણ મંગળવારના રોજ ગામના મહિલા રાજુ બેનનું અવસાન થતાં તેમના જનાજાને પાણીમાંથી પસાર કરીને દફનવિધિ માટે લઈ જવામાં આવ્યો હતો. દર વર્ષે ચોમાસા દરમિયાન આ સમસ્યાનું પુનરાવર્તન થાય છે તેમ છતાં કોઈ યોગ્ય ઉકેલ લાવવામાં નહીં આવતા ગ્રામજનોમાં તંત્ર પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા છેલ્લા પંદર વર્ષથી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં તંત્ર કે ધારાસભ્ય અને સસંદસભ્ય ધ્યાન આપતા નથી તેથી રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાય છે. અહીં મોટો પુલ બનાવવામાં આવે તેવી ગામ લોકોની બુલંદ માંગ છે.