(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૧
શહેરના ફતેગંજ પોલીસ મથકમાં પુછપરછ માટે લવાયેલા આરોપી રહસ્યમય રીતે ગુમ થઇ જવાના બનાવમાં તેને પોલીસે માર મારતા તે મોતને ભેટયો હોવાનો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો છે. આ અંગે ગુમ થયેલ શેખ બાબુ ઉર્ફે શેખરહીમના પુત્રએ પોલીસ કમિશ્નરને આવેદનપત્ર આપી જવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલા લેવા અને ફતેગંજ પોલીસ મથકનાં તમામ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગ તપાસ કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે. પોલીસ કમિશ્નરે પણ જો આ મામલે કોઇપણ પોલીસ કર્મચારી દોષિત જણાશે તો તેની સામે કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું છે.
ગુમ થયેલા શેખબાબુ ઉર્ફે શેખ રહીમશેખના પુત્ર શેખ સલીમે પોલીસ કમિશ્નરને આપેલા આવેદન પત્રમાં જણાવ્યું છે કે, તેના પિતા શેખબાબુ ઉર્ફે શેખ રહીમશેખ ગત ૧૦-૧૨-૨૦૧૯થી રહસ્યમય રીતે ગુમ છે. જેઓને ફતેગંજ પોલીસ મથકનાં ડી-સ્ટાફનાં કર્મચારીઓ સાયકલ ચોરીનાં કથિત ગુનામાં અટક કરી લઇ ગયા હતા અને ડી-સ્ટાફનાં પોલીસ કર્મચારીઓએ ઢોર મારમારતા મારા પિતા શેખબાબુનું મોત થયું હોવાની અમને પાક્કી શંકા છે. આ અંગે જો પોલીસ સ્ટેશનનાં સીસીટીવી કેમેરા તેમજ ડીવીઆરનું રેકોર્ડિંગ ચેક કરવામાં આવે તો તેમાં આ બનાવ અંગે હકીકત ખબર પડી શકે તેમ છે. પરંતુ અમારી જાણ મુજબ ફતેગંજ પોલીસ મથકનાં કર્મચારીઓ દ્વારા પુરાવાનો નાશ કરવા સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ ડિલીટ કરી દીધા છે.ગુમ થયેલા શેખબાબુના પુત્ર શેખ સલીમે પોલીસ કમિશ્નરને આ અંગે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે પગલા લેવા માંગણી કરી છે. જ્યારે બીજી બાજુ આ અંગે વડોદરા શહેર પોલીસ કમિશ્નરે ફતેગંજ પોલીસ સામે તપાસનો આદેશ આપ્યો છે. તેમજ જો આ બનાવમાં પોલીસ કર્મચારીઓની સંડોવણી બહાર આવશે તો કોઇપણ દોષીને છોડવામાં આવશે નહીં તેમ શહેર પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું.
ચોરીના ગુનામાં અટક કરાયેલ આરોપીને પોલીસે માર મારી મોતને ઘાટ ઉતાર્યાનો આક્ષેપ

Recent Comments