(એજન્સી) રાયપુર,તા.૩
કોરોના વાયરસ સામે આખુ વિશ્વ ઘૂંટણીયે પડી રહ્યું છે, ત્યારે છત્તીસગઢના એક દંપતીએ લોકડાઉનના સમયમાં તેમને ત્યાં જન્મેલા જોડિયા બાળકોના નામ ‘કોરોના’ અને ‘કોવિડ’ રાખ્યા છે. આ બંને શબ્દો હાલ એટલા પ્રચલિત થઈ ગયા છે કે, લોકો તેનું નામ સંભાળતા જ ફફડી ઉઠે છે. પરંતુ આ મહામારી દરમિયાન રાયપુરના એક દંપતીએ તેમને ત્યાં જન્મેલા એક પુત્ર અને એક પુત્રીનું નામ આ વાયરસ પરથી રાખ્યું છે.
લોકડાઉનમાં પડેલી મુશ્કેલીઓ અને તે દરમિયાન થયેલી ગર્ભવતી મહિલાની સફળ ડીલિવરીની યાદમાં બંને બાળકોના નામ કોરોના વાયરસ પરથી રાખવામાં આવ્યા હોવાનું દંપતીએ જણાવ્યું હતું. રાયપુરની સરકારી હોસ્પિટલમાં ૨૬ માર્ચે મધરાતે મહિલાએ બે સંતાનોને જન્મ આપ્યો હતો. દંપતીએ જણાવ્યું હતું કે, હાલ તો તેમણે તેમના બાળકોના આ નામ રાખ્યા છે, પરંતુ પાછળથી તેઓ પોતાનો નિર્ણય બદલી શકે છે.
પ્રીતિ વર્મા (ઉ.વ.૨૭)એ આ અંગે માહિતી આપતા જણાવ્યું કે, હું ગર્ભવતી હતી અને જેને પગલે ૨૬મી માર્ચના રોજ પરોઢીયે મને પ્રસુતિની પીડા શરૂ થતાં હું હોસ્પિટલમાં દાખલ થઈ હતી. રાયપુરની એક સરકારી હોસ્પિટલમાં મે એક પુત્ર (કોવિડ) અને પુત્રી (કોરોના)ને જન્મ આપ્યો હતો. આ ડીલિવરી મહા મુશ્કેલીમાં થઈ હોવાથી મે તેમજ મારા પતિએ આ દિવસને યાદગાર બનાવવા માટે અમારા બંને બાળકોના નામ આ મુજબ રાખ્યા છે. આટલું જ નહીં હોસ્પિટલના સ્ટાફે પણ આ અમારા બાળકોને આ નામથી બોલાવવાનું શરૂ કરી દીધું છે.
મૂળ ઉત્તરપ્રદેશનું આ દંપતિ હાલ રાયપુરની પુરાની બસ્તી વિસ્તારમાં રહે છે. મને પ્રસુતિની પીડા ઉપડતા મારા પતિએ લોકડાઉન વચ્ચે મહા મુસિબતે એમ્બ્યુલન્સ બોલાવી હતી અને મને હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. પોલીસે જુદાં-જુદાં સ્થળોએ તપાસ કરવાનું કહેતા એમ્બ્યુલન્સ ઊભી રાખવાની પણ ફરજ પડી હતી. ઉપરાંત મધરાતે મને પત્નીને પીડા થતાં હોસ્પિટલમાં સ્ટાફ હશે કે કેમ તે અંગે પણ અમને મૂંઝવણ હતી પરંતુ ડોક્ટર્સ અને સ્ટાફ હોસ્પિટલમાં હાજર હોવાથી સફળ ડીલિવરી કરવામાં આવ્યા બાદ અમને રાહત થઈ હતી તેમ કોરોના અને કોવિડની માતાએ જણાવ્યું હતું.