(એજન્સી) દુર્ગ, તા.૧૮
છત્તીસગઢના દુર્ગ જિલ્લાના રાજપુર ગામમાં ભાજપ નેતા દ્વારા ચલાવાતી ગૌશાળામાં છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ભૂખમરા અને પૂરતી દવાઓ નહીં આપવાના લીધે ર૦૦ ગાયોનું મૃત્યુ થયું હોવાની ઘટના બહાર આવી છે. અધિકારીઓએ પુષ્ટિ કરી કે ર૭ ગાયોનું મૃત્યુ ભૂખમરાના લીધે થયો હતો પણ ગ્રામવાસીઓ કહે છે કે મૃત્યુઆંક ર૦૦થી પણ વધુ હોઈ શકે છે. મોટાભાગની મૃત ગાયોને દાટી દેવામાં આવી છે. ભાજપ નેતા હરીશ વર્મા છેલ્લા ૭ વર્ષથી આ ગૌશાળા ચલાવે છે જે જામુલ નગર નિગમના અધ્યક્ષ પણ છે. રાજપુરના સરપંચના પતિ સેવારામ સાહુએ જણાવ્યું કે અમે નોંધ્યું હતું કે જેસીબી મશીનો ગૌશાળા પાસે કાર્ય કરી રહી હતી. જ્યારે અમે ત્યાં ગયા ત્યારે અમે જોયું કે ઘણા બધા ખાડાઓ ખોદેલ હતા જે મૃત ગાયોને દાટવા માટે ખોદાયેલ હતા. એ ઓછામાં ઓછી ર૦૦ હશે. ત્યાં હાજર રહેલ ડોક્ટરોએ જણાવ્યું કે ગાયોનું મૃત્યુ ઘાસચારો નહીં મળવાથી અને દવાઓ નહીં આપવાથી થયું હતું. જો કે ભાજપ નેતા જણાવે છે કે ગાયોનું મૃત્યુ બે દિવસ અગાઉ દીવાલ પડી જવાથી થયું હતું. દુર્ગ જિલ્લાના પશુ વિભાગના નાયબ નિયામકે કે છેલ્લા બે દિવસોમાં ર૭ ગાયોનું પોસ્ટમોર્ટમ કરાયું હતું. જેમાં એમની મૃત્યુ પાછળ ભૂખમરો અને અપૂરતી દવાઓ હોવાનું જણાય છે. ડોક્ટરોએ જણાવ્યું કે અન્ય પ૦ ગાયોની સ્થિતિ ગંભીર છે જેમની સારવાર ચાલી રહી છે. વર્માએ રાજ્ય સરકાર ઉપર આક્ષેપ મૂક્યો કે સરકાર ગૌશાળા માટે પૈસા આપતી નથી. જે માટેની માગણી છેલ્લા ર વર્ષથી કરવામાં આવી રહી છે.