(એજન્સી) નવી દિલ્હી, તા.૨૧
કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા છત્તીસગઢમાં રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજનાની જાહેરાત કરી હતી. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને આ સાચી શ્રદ્ધાંજલિ છે. રાજીવ ગાંધીની મરણતિથિ નિમિત્તે સંમેલનને સંબોધતા સોનિયાએ જણાવ્યું હતું કે, આ યોજનાથી ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવશે અને આ રાજીવ ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ છે. રાજીવ ગાંધીના સિદ્ધાંતોના પરિપેક્ષ્યમાં આ એક મોટું પગલું છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ કોરોના મહામારીના સમયમાં ખેડૂતો અને ગરીબોને સંકટનો સામનો કરવો પડી રહ્યો છે તેવા સમયે છત્તીસગઢ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આ યોજનાની પ્રશંસા કરી હતી. આ એક ક્રાંતિકારી યોજના છે અને રાજીવ ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેષ બઘેલે જણાવ્યું હતું કે, રાજીવ ગાંધી કિસાન ન્યાય યોજનાથી ૧૯ લાખ ખેડૂતોને લાભ થશે અને વધુથી વધુ વિસ્તારોને આ લાભમાં સામેલ કરવામાં આવશે. આ યોજનાનો મુખ્ય હેતુ ખેડૂતોને સહાય કરવાનો છે.