(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ/પાટણ, તા.૧૪
ગાંધીનગર જિલ્લાના છત્રાલમાં બજરંગદળના કટ્ટરવાદી તત્ત્વોએ ગત તા.પ માર્ચના રોજ માતા-પુત્ર પર જીવલેણ હુમલો કરતા બંનેને ગંભીર હાલતમાં અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પુત્ર ફરનાઝ સૈયદનું મોત થતા તેના સમગ્ર મુસ્લિમ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. છેલ્લા ત્રણ મહિનાથી છત્રાલ ગામમાં કટ્ટરવાદી તત્ત્વો હુમલાઓ કરતા આવ્યા છે. પોલીસ અને સરકારની નિષ્ફળતાને કારણે ભોગ બનેલ ફરનાઝભાઈના પરિવારને વળતર ચૂકવવા ન્યાયી અને નિષ્પક્ષ તપાસ કરવા તથા બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ ઉપર તાત્કાલિક પ્રતિબંધ મૂકવાની માગણી સાથે આજે અલ્પસંખ્યક અધિકાર મંચ, ગુજરાતના નેજા હેઠળ ગુજરાત એજ્યુકેશન અને વેલ્ફેર કમિટી સિદ્ધપુર, એકતા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને તન્ઝિમ કમિટી પાટણ દ્વારા બીઆઈ સૈયદ તથા ઉમરદરાઝ ચશ્માવાલાની આગેવાનીમાં પાટણ જિલ્લા કલેક્ટરને ઉદ્દેશી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં છત્રાલ ગામમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલતી આ હિંસાને અટકાવવામાં નિષ્ફળ સ્થાનિક પોલીસ, પીઆઈ, ડીવાયએસપી સામે કાર્યવાહી કરી બરતરફ કરવા, મૃતક ફરનાઝભાઈના પરિવારને તથા ઈજાગ્રસ્ત રોશનબાનુને ‘ગુજરાત વિક્ટીમ કમ્પેનસેશન સ્કીમ ર૦૧૬’ મુજબ વળતર ચૂકવવામાં આવે, મૃતક અને ઈજાગ્રસ્તોને વડાપ્રધાનના નવા ૧પ મુદ્દાના કાર્યક્રમમાં નાણાકીય જોગવાઈ કરી વળતર ચૂકવવામાં આવે. છત્રાલ હિંસાના કેસોમાં અલગ એસઆઈટી (શીટ) અથવા એજન્સીની નિમણૂક કરી નિષ્પક્ષ તપાસ કરાવવામાં આવે. કેસ ચલાવવા ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરવામાં આવે, કોમી બનાવમાં અસરગ્રસ્તોના પુનઃવસન, મૃત્યુ, ઈજા, રોજગાર નુકસાનના વળતર માટે રાજ્ય સરકાર નીતિ બનાવવાની પહેલ કરે તેવી માગણીઓ કરવામાં આવી છે અને એવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે, જો આ મામલે યોગ્ય કરવામાં નહીં આવે તો સમગ્ર રાજ્યમાં જલદ આંદોલન કરવામાં આવશે.
આવેદનપત્ર આપવાના આ કાર્યક્રમમાં હુસૈનમિયા સૈયદ, ઈબ્રાહીમભાઈ શેખ, જાકીરહુસેન શેખ, અગીઝખાન બેકરીવાળા, અબ્દુલકાદીર એમ. કાદરી, સિરાઝભાઈ આઈ. ફતેહ, યાસીન મિરઝા તથા અલ્પસંખ્યક અધિકાર મંચના પાટણ જિલ્લાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત હિતરક્ષક સમિતિ દ્વારા અમદાવાદ જિલ્લા કલેક્ટરને તથા મહેસાણા મુસ્લિમ યુવા સંગઠન, મહેસાણા અલ્પસંખ્યક અધિકાર મંચ, બનાસકાંઠા અલ્પસંખ્યક અધિકાર મંચ, માંગરોળ અલ્પસંખ્યક અધિકાર મંચ, વડોદરા અલ્પસંખ્યક અધિકાર મંચ દ્વારા પણ જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા.