(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૨૧
ભાવનગર ખાતે રહેતા યુવરાજસિંહ દાનુભાઈ જાડેજા અને તેમના ફોઈના દીકરા બળભદ્રસિંહ ગોહિલ પોતાનો આયસર ટેમ્પોમાં સુરતથી જુદો-જુદો માલ ભરીને ભાવનગર જવા માટે નિકળ્યા હતા. આજે વહેલી સવારના સુમારે નેશનલ હાઈવે નં.૪૮ પર વાસદ નજીક આઈ માતા હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે હોટલ નજીક ઉભેલા ત્રણ શખ્સોએ લીફટ માંગતા ટેમ્પોના ચાલક યુવરાજસિંહએ ટેમ્પો ઊભો રાખીને ત્રણેય અજાણ્યા શખ્સોને લીફટ આપી હતી. ત્યારબાદ મુસાફરના સ્વાંગમાં બેઠેલા ત્રણેય અજાણ્યા શખ્સોએ થોડે દૂર ગયા બાદ યુવરાજસિંહ અને બળભદ્રસિંહને છરો બતાવીને છરાની અણીયે ટેમ્પો પર કબજો મેળવી લઈ બંને જણાના હાથ પગ દોરડા વડે બાંધી દઈને તેઓને છરો બતાવીને માર મારીને યુવરાજસિંહ પાસેથી ૧૬,૬૦૦ રૂપિયા રોકડા, તેમજ ચાંદીનું બે હજારની કિંમતનું હાથમાં પહેરવાનું કડું, તેમજ બળભદ્રસિંહ પાસેથી ૧૨,૬૦૦ રૂપિયા રોકડા અને મોબાઈલ ફોનની લૂંટ ચલાવી ટોળકી ફરાર થઈ ગઈ હતી.
ત્યારબાદ આ ટોળકી ફરી આઈ માતા હોટલ પાસે પહોંચી હતી અને રાજસ્થાનના બાડમેરના નરસિંહરામ દેવચંદ પોતાની ટ્રક લઈને જંબુસરથી એરંડાનો ખોળ ભરીને મહેસાણા તરફ જઈ રહ્યા હતા. ત્યારે આઈ માતા હોટલ પાસે ત્રણેય લૂંટારૂઓએ નરસિંહરામ પાસે લીફટ માંગી હતી, જેથી નરસિંહભાઈએ પણ તેઓને ટ્રકમાં બેસાડતા થોડે દૂર ગયા બાદ લૂંટારૂ ટોળકીએ નરસિંહરામને પણ છરો બતાવી તેઓના હાથ-પગ બાંધી દઈને તેઓની પાસેથી ૧૪ હજારની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. આમ લૂંટારૂ ત્રિપુટી બંને વાહનચાલકો પાસેથી ૫૩,૨૦૦ની મતાની લૂંટ ચલાવીને ફરાર થઈ જતા આ બનાવને લઈને બંને વાહનચાલકો વાસદ પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ લૂંટની ઘટના અંગે પોલીસને જાણ કરતા પોલીસે આ બનાવ અંગે યુવરાજસિંહ દાનુભા જાડેજા (રહે.ભાવનગર)ની ફરિયાદના આધારે ૩૦થી ૩૫ વર્ષની વય ધરાવતા ત્રણ અજાણ્યા લૂંટારૂઓ વિરૂદ્ધ લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.