(સંવાદદાતા દ્વારા)
છાપી, તા.૧૯
વડગામ તાલુકાના છાપી નજીક રજોસણાની સીમમાં આવેલ એક કલર ફેકટરીમાં શુક્રવારે એકાએક આગ લાગતા જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસના અન્ય બે ગોડાઉનો પણ આગની ચપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગયા હતાં. જોકે ફેકટરીમાં રજા હોવાના કારણે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
પ્રાપ્ત વિગતો મુજબ રજોસણા ગામની નજીક આવેલી આઈ સન કલર ફેકટરીમાં અચાનક બપોરના સમયએ આગ ભભૂકતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ ના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતાં અને આગ બુજાવા માટે તાત્કાલિક ફાયરફાયટરને જાણ કરતા પાલનપુર તેમજ સિદ્ધપુર નગરપાલિકાના ફાયરફાયટર ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ કર્યો હતો આઈ.સન કલરની ફેકટરીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અંદર પડેલ કલર તેમજ કેમિકલ ભરેલા પીપોમાં ધડાકા થતાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું ફેકટરીમાં આગ લાગતા આસપાસ આવેલી એસ.જે. બોડીપાટ્‌ર્સ તેમજ એક પશુદાનના ગોડાઉન માં પણ આગ પ્રસરતા બંન્ને ગોડાઉનો બળીને ખાખ થઈ ગયા હતા આગના સમાચાર મળતા વડગામ મામલતદાર આર.સી.ઠાકોર તેમજ છાપી પીએસઆઈ સહિતનો સ્ટાફ ઘટના ઉપર આવી પહોંચી જાણકારી મેળવી હતી જોકે આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું.
આઈ. સન કલર ફેકટરીના માલિક યુનુસ હબા તેમજ ઈલિયાસ હબાને આગ લાગવા અંગે પૂછતાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જણાવ્યું હતું તેમજ આગમાં આશરે બેથી અઢી કરોડનું નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું