(સંવાદદાતા દ્વારા)
મોડાસા, તા.ર૯
મોડાસાના શિણાવાડ ગામે એક કિશોર પાણીની મોટરની સ્વીચ ચાલુ કરવા જતા વીજ કરંટ લાગતા મોત નીપજ્યું હતું મેઘરજના છીટાદરા ગામે ઘરમાં સ્વિચ ચાલુ કરવા જતા વીજકરંટ લાગતા પટકાઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા મોડાસા સારવાર અર્થે ખસેડાઇ હતી
મોડાસાના શિણાવાડ ગામે નયન મુકેશ ભાઈ પટેલ નામનો કિશોર પોતાના ઘરે ચાલી રહેલ મકાનના કામકાજમાં પાણી છાંટવા મોટર ચાલુ કરવા સ્વીચ પાડતાની સાથે વીજ કરંટના ઝટકાથી નીચે પટકાતા પરિવારજનો અને આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને કિશોરને તાબડતોડ સારવાર અર્થે દવાખાને ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું.
મેઘરજ છીટાદરા ગામની ૩૦ વર્ષીય મહિલા ઘરકામ કરી રહી હતી ત્યારે ઘરમાં રહેલ લાઈટ ચાલુ કરવા સ્વિચ પડતાની સાથે મહિલાને વીજ કરંટ લાગતા ૩૦ વર્ષીય મહિલાના શરીરમાં વીજપ્રવાહ પસાર થવાની સાથે પટકાતા વીજકરંટ થી બેશુદ્ધ બનેલ મહિલાને પરિવારજનો તાબડતોડ સારવાર અર્થે મોડાસા ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા તબીબોએ સઘન સારવાર હાથધરી હતી હાલ મહિલાની તબિયત નાજુક હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.