(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૨
પૂર્વ પત્નીની ફરિયાદને આધારે મુસ્લિમ યુવકની ધરપકડ કર્યા બાદ માર નહીં મારવા માટે રૂા. પ૦ હજારની લાંચ ન આાપતા પોલીસ ચોકીમાં અત્યંત નિર્દયતાપૂર્વક ફટકારનાર સબ ઈન્સ્પેક્ટર સામે ગંભીર પ્રકારના આક્ષેપો કરવામાં આવ્યા છે. પોલીસના મારથી બચવા માટે ૫૦ હજાર રૂપિયાની માગણી કરનાર ખેતા રાવલની માગણી સંતોષવામાં નહીં આવતા જાનવરોની જેમ યુવકને ફટકારવામાં આવતા ગઈકાલે રાતથી તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
વિગતો અનુસાર બડેખાં ચકલાંસ્થિત ટ્રસ્ટની મિલકત નૂરશાહી મંઝિલમાં રહેતા નવાઝ ફત્તાએ પહેલી પત્ની સાથે છુટાછેડા થયા બાદ બીજા નિકાહ કર્યા હતા પરંતુ પહેલી પત્નીને એ મંજુર ન હતું જેથી તેણે થોડા દિવસ પૂર્વે અઠવાલાઈન્સ પોલીસ મથકમાં પૂર્વ પતિ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. બનાવ સંદર્ભે તપાસ ચલાવી રહેલા ગોપીપુરા પોલીસ ચોકીના સબ ઈન્સ્પેક્ટર ખેતા રાવલે અનેકવાર નવાઝને શોધવાના પ્રયાસમાં નૂરશાહી મંઝિલને માથે લીધી હતી. નવાઝની ગેરહાજરીમાં તેની પત્નીને માનસિક ત્રાસ આપવામાં આવતા છેવટે પોલીસ કાર્યવાહીથી ફફડી ઉઠેલા નવાઝે પોલીસ સમક્ષ આત્મ સમર્પણ કર્યું હતું. જો કે, આ પ્રકારના બનાવોમાં ખિસ્સા ગરમ થતાં હોવાથી સબ ઈન્સ્પેક્ટર રાવલે નવાઝ પાસેથી ૫૦ હજાર રૂપિયાની માગણી કરી હતી જો તે માગણી ન સંતોષે તો ઢોર માર મારવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જો કે, મહિને દસ હજારના પગારદાર નવાઝ રૂપિયા ચૂકવવા અસમર્થ હોવાથી રાવલે ગઈકાલે રાત્રે ચોકીના દરવાજા બંધ કરીને અત્યંત નિર્દયતાપૂર્વક તેને ફટકાર્યો હતો જેને પગલે બેહોશ થઈ ગયેલા નવાઝને અઠવા પોલીસ સ્ટેશન ખાતે સોપી દેવાયો હતો. જો કે, છાતીમાં દુઃખાવા સાથે બ્લડ પ્રેશર લો થઈ જતાં તેને ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા દ્વારા નવી સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ સંદર્ભે નવાઝની પત્ની શબાનાએ ઓન કેમેરા રાવલ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. આ બનાવની ઉચ્ચ અધિકારીઓએ નોંધ લીધી છે અને આગામી દિવસોમાં રાવલ પર સકંજો કસાશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.