અમદાવાદ,તા.૨૨
અમરેલી જિલ્લાના ધારી પંથકના ગીર પૂર્વમાં વધુ એક સિંહણનુ મોત નીપજ્યાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ધારી પંથકના ગીર પૂર્વમાં છેલ્લા એક અઠવાડિયામાં ચાર સિંહના મોતની ઘટના સામે આવતાં હવે ગંભીર વિવાદ સર્જાયો છે અને સ્થાનિક વનવિભાગ, પોલીસ અને તંત્ર સામે હવે ફરજમાં નિષ્કાળજી અને ગંભીર બેદરકારીને લઇ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.એક પછી એક સિંહોના મોતની ઘટનાઓને લઇ વન્ય અને પ્રાણીપ્રેમીઓમાં પણ સત્તાવાળાઓ પરત્વે ભારોભાર આક્રોશની લાગણી પ્રવર્તી રહી છે. અગાઉ સિંહોના મોત મામલે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની રિટ અરજીમાં હાઇકોર્ટે રાજય સરકાર અને સ્થાનિક સત્તાવાળાઓને સિંહોના જીવનના રક્ષણ અને તેમની સુરક્ષાને લઇ અસરકારક પગલાં લેવા મહત્વના આદેશો જારી કર્યા હોવાછતાં સરકારી તંત્ર કે સત્તાવાળાઓ દ્વારા તેનું કોઇ અસરકારક પાલન થઇ રહ્યું હોય તેવું જણાતુ નથી. કારણ કે, છેલ્લા એક જ અઠવાડિયામાં ધાર પંથકમાં એક પછી એક ચાર સિંહોના મોતની ઘટના સામે આવી હતી. જેમાં ગઇકાલે જ ખાંભાના પીપળવા રાઉન્ડમાંથી ૧૧ વર્ષના સિંહનો મૃતદેહ મળ્યો હોવાની ઘટના સામે આવ્યા બાદ આજે બીજા દિવસે ખાંભા તુલસીશ્યામ રેન્જના પીપળવા રાઉન્ડમાં ડંકીવાળા વિસ્તારમાં ૮ વર્ષની સિંહણનું મોત નીપજ્યું હતું. સિંહણનું મોત ફેફસાની બીમારીથી થયું હોવાનું વન વિભાગનું અનુમાન છે. જો કે, વનવિભાગના મતે, સાચું કારણ પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ખબર પડશે. વન વિભાગ દ્વારા આસપાસના વિસ્તારમાં સ્કેનીંગ હાથ ધરવામાં આવ્યું છે. સિંહના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો હતો. સિંહના વધતા જતા મોતના બનાવને લઇને વન વિભાગ અને સ્થાનિક સત્તાવાળાઓ સામે હવે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.