માંગરોળ, તા.૯
મોસાલી-માંગરોળ તાલુકાનાં હથોડા ગામે આવેલા મરઘાં ફાર્મમાં છેલ્લા ચાર દિવસમાં ૯૦ કરતાં વધુ મરઘાં અને મરઘાંનાં બચ્ચાનાં મોત થતાં સુરત જિલ્લાનો પશુચિકિત્સા વિભાગનો સ્ટાફ દોડતો થઈ ગયો છે.
મરઘાં ફાર્મનાં માલિકે જણાવ્યું છે કે છેલ્લા ચાર દિવસમાં ૯૦ કરતાં વધુ મરઘાં અને મરઘાંનાં બચ્ચાનાં મોત થયા છે. જ્યારે આજે ૪૫ જેટલાં મરઘાં અને મરઘાંનાં બચ્ચાંનાં મોત થતાં એક તબક્કે દોડધામ મચી જવા પામી છે. ફાર્મનાં માલિકે આ બનાવની જાણ સુરત, જિલ્લા પશુચિકિત્સા વિભાગને કરતાં, સુરતથી એક ટીમ હથોડા આવવા માટે રવાના થઈ ગઈ છે. આ ટીમ આવ્યા બાદ મરણ પામેલાં મરઘાં અને મરઘાંના બચ્ચાંના સેમ્પલ લઈ મોત ક્યાં કારણ સર થયા છે. એનું કારણ જાણી શકાશે.આ મોત બર્ડફલુ કે અન્ય કોઈ રોગને કારણે થયા છે. જે જાણી શકાશે. જો કે થોડા દિવસો પહેલાં સુરત જિલ્લાના બારડોલી વિસ્તાર સહિત અન્ય વિસ્તારમાં કાગડાઓનાં મોત થયા છે. જો કે પશુચિકિત્સા વિભાગે આ મોત પામેલા કાગડાઓના પણ સેમ્પલ લીધા છે અને કાગડાના મોત કયા રોગને કારણે થયા છે. તેની તપાસ શરૂ કરી છે.