(સંવાદદાતા દ્વારા)

અમદાવાદ, તા.ર૬

ગુજરાત પર કોરોનાના કહેર વચ્ચે મેઘરાજાએ મહેરબાની કરી હોય તેમ સૌરાષ્ટ્ર, કચ્છમાં સૌથી વધુ વરસાદ એટલે કે, કાચું સોનું વરસાવ્યું છે. સૌરાષ્ટ્રમાં તો મોસમનો ૬૭ ટકા વરસાદ અને ત્રણ જિલ્લામાં તો ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે આજે દિવસ દરમિયાન રાજ્યના રપ તાલુકામાં હળવા ઝાપટાંથી લઈ ર ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. દરમિયાન હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતાં આગામી ર૪ કલાકમાં ભારે પવન સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારો માટે પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વિવિધ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે તા.ર૭ના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં હળવા વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. આજે સવારથી સૌરાષ્ટ્રના ભાણવડમાં ર ઈંચથી વધુ, પોરબંદરમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે અમરેલીના વડિયામાં સૌથી વધુ બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉપરાંત જૂનાગઢ, રાણાવાવ, ગીર-સોમનાથ, ગોંડલ, જસદણ, રાજકોટ, અમરેલી, લાઠી  સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે ઝાપટાં પડ્યા હતા. ઉપલેટા તથા ગ્રામ્ય વિસ્તારોમાં ૧થી ર ઈંચ વરસાદ પડતાં મોજ ડેમમાં પાણીની આવક વધતા ડેમના ૩ પાટિયા ર ફૂટ જેટલા ખોલવામાં આવ્યા હતા. વલસાડના ધરમપુરમાં પણ વરસાદનું આગમન થતાં ધરતીપુત્રો ખુશખુશાલ થઈ ગયા હતા. ગત સવારથી આજે સવાર સુધી રાજ્યના ૧૬ર તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યા બાદ આજે દિવસ દરમિયાન વરસાદ ધીમો પડ્યો હતો અને રપ જેટલા તાલુકામાં હળવાથી બે ઈંચ જેટલો નોંધાયો હતો. રાજકોટના જેતપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા ચોતરફ પાણી ભરાઈ ગયા હતા. જ્યારે વેરાવળ પંથકમાં પણ વરસાદે આગમન કર્યું છે. દરમિયાન હવામાન વિભાગે આગામી ર૪ કલાકમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, પોરબંદર, દ્વારકા, દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી તથા ઉત્તર  અને મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર તથા વડોદરામાં હળવા ઝાપટાંથી લઈ ભારે વરસાદની આગાહી કરી છે.