છાપી, તા.૧૯
બનાસકાંઠામાં ત્રણ દિવસમાં ૨૦૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે ત્યારે પાલનપુર તાલુકાના કાણોદર ગામમાં છે છેલ્લાં પાંચ સાત દિવસમાં મેડિકલ ટીમો દ્વારા ૩૦૦થી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં ૫૦થી વધુ કોરોના પોઝિટિવ કેસ સામે આવતા કાણોદર ગામમાં ફફડાટ મચી જવા પામ્યો છે. બનાસકાંઠાનું માન્ચેસ્ટર ગણાતું અને શિક્ષિત ગામ કાણોદરમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ આરોગ્ય વિભાગ દ્વારા ગામમાં રેપીડ એન્ટીજન ટેસ્ટની પ્રક્રિયા હાથ ધરતા ત્રણથી ચાર દિવસ દરમિયાન ૩૦૦ જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી ૫૦ લોકોને કોરોના પોઝિટિવ આવ્યાનું મેડિકલ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું. કાણોદર માં કેટલાક જાહેર કાર્યકર્મોમાં લોકો એકત્રિત થતાં કોરોના સંક્રમિતના કેસોમાં અચાનક ઉછાળો આવ્યાનું ગામના યુવાનોએ જણાવ્યું હતું. ગામમાં કોરોના સક્રમિતોની સંખ્યા વધતા ગામમાં લોકડાઉન કરવાની અફવાથી લોકોમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. કાણોદરમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતાં ગામના સેવાભાવી યુવકો દ્વારા સેલ્ફ કોરેન્ટાઈન સેન્ટરો ઊભા કરી કોરોના પોઝિટિવ દર્દીઓને દાખલ કરી હોસ્પિટલ જેવી સારવાર કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.