દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ, તા.૮
રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ૧૮૮ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં ૬ ઈંચ નોંધાયો છે. તો સુરતના માંગરોળમાં ૪ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ૧૧ તાલુકામાં રથી ૬ ઈંચ અને રપ તાલુકાઓમાં ૧થી ર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. સુરત બાદ જૂનાગઢના વિસાવદરમાં પણ ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ભરૂચના નેત્રંગ, જૂનાગઢના કેશોદ અને નર્મદાના ડેડિયાપાડામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના છ તાલુકાઓમાં છેલ્લા ર૪ કલાકમાં ત્રણ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૩૮ તાલુકાઓમાં એક ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં આજે સવારથી અનેક સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ર૪ કલાકમાં ડીસા, અમીરગઢ, કાંકરેજ, થરાદ, દાંતા, દાંતીવાડા, દિયોદર, ધાનેરા, પાલનપુર ભાભરમા, બાખલી, વડગામ, સુઈગામ દરેક સ્થળોએ વરસાદ નોંધાયો છે.સાર્વત્રિક વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. આમ એક તરફ રાજ્યમાં અનેક સ્થળોએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે ૯મી ઓગસ્ટથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહીને પગલે દરિયાકાંઠાના બંદરો માટે ૩ નંબરનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી, અમરેલી, ગીર-સોમનાથ અને પોરબંદરમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં થયાના અહેવાલો સાંપડ્યા છે. જ્યારે ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ થયું છે.