વાલોડ, વાંસદામાં ૬ ઈંચથી વધુ અને વઘઈ અને મહુવામાં સાડા પાંચ ઈંચથી વધુ તૂટી પડ્યો
(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૭
રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ-દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદે ભારે ધમાકેદાર બેટિંગ કરતા છેલ્લા ૩૬ કલાકમાં ૧૯ર તાલુકામાં અને આજે સવારથી સાંજના ૬ વાગ્યા સુધીમાં ૧૭૭ તાલુકામાં અડધાથી ૧૦ ઈંચ વરસાદ તૂટી પડ્યો છે. જેમાં સુરતના માંડવીમાં ૧ર કલાકમાં ૧૦ ઈંચ વરસાદ તૂટી પડતાં જળબંબાકાર થઈ ગયું હતું. જ્યારે તાપીના ડોલવણમાં ૮ ઈંચથી વધુ, ગીર સોમનાથના તાલાલામાં ૭ ઈંચથી વધુ, તાપીના વાલોડમાં અને નવસારીના વાંસદામાં ૬ ઈંચથી વધુ, ડાંગના વઘઈમાં અને સુરતના મહુવામાં સાડા પાંચ ઈંચથી વધુ તથા તાપીના વ્યારા, ડાંગના આહ્વા, જામનગરના જોડિયા અને કચ્છના નખત્રાણામાં તથા સુરતના બારડોલીમાં સાડા ચાર ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના સોનગઢમાં અને કચ્છના અંજારમાં ૪ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારીના ગણદેવીમાં, કચ્છના માંડવીમાં, ચીખલીમાં સાડા ત્રણ ઈંચ જેટલો તથા અંકલેશ્વર કલ્યાણપુર, પલસાણા અને અમીરગઢમાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ૧૧ તાલુકામાં રથી ૩ ઈંચ, ૧૬ તાલુકામાં ૧થી ર ઈંચ અને ૧૩૦ તાલુકામાં હળવા ઝાપટાંથી ૧ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં ૨૦ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી
આજથી રાજ્યમાં ગુજરાત પર એક સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગે ૧૯ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે ૧૯ ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, કચ્છ, દ્વારકા, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, નવસારી, વલસાડમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, જામનગરમાં પણ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે. છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહીના પગલે વહીવટી તંત્રને એલર્ટ કરાયું છે. હવામાન વિભાગના મતે ૨૦ ઓગસ્ટ સુધી અહીં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે જેથી તલાટીઓને ગામમાં જ રહેવા સૂચના અપાઈ છે. નદી કિનારાના વિસ્તારોને એલર્ટ કરાયા છે. ભારે વરસાદના પગલે પાણી ભરાતા હોય તેવો કોઝ-વે બંધ કરવા સૂચના પણ આપવામાં આવી છે.
રાજ્યમાં વરસાદને લીધે ૧૯પ રસ્તાઓSTની ૧૭ ટ્રીપ બંધ
રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ ૭૯.૪૪ ટકા વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૩૨.૩૫ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૨.૪૭ ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં ૬૯.૩૧ ટકા, પૂર્વ મધ્ય ઝોનમાં ૬૨.૦૩ ટકા અને ઉત્તર ગુજરાતમાં ૫૬.૪૧ ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં વરસી રહેલાં અવિરત વરસાદને પગલે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમની જળસપાટી ૧૨૧.૦૮ મીટર પર પહોંચી છે તેની સાથે જ સરદાર સરોવર ડેમમાં ૫૪.૦૬ ટકા જળસંગ્રહ થયો છે. રાજ્યના ડેમોની સ્થિતિ પર તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજની સ્થિતિએ કુલ ૯૪ ડેમ હાઈ એલર્ટ ઉપર એટલે કે ૯૦ ટકાથી વધુ ભરાયા, ૧૦ ડેમ એલર્ટ ઉપર એટલે કે ૮૦થી ૯૦ ટકા ભરાયા અને ૭૪ ડેમ વોર્નિંગ ઉપર એટલે કે ૭૦થી ૮૦ ટકા ભરાયા છે, તે ઉપરાંત ૮૭ ડેમ ૭૦ ટકાથી ઓછા ભરાયા છે. રાજ્યમાં વરસાદી માહોલના કારણે ગુજરાત એસ.ટી. બસની ત્રણ રૂટની કુલ ૧૭ ટ્રીપો બંધ કરવાની ફરજ પડી છે, તે ઉપરાંત સ્ટેટ હાઈવેના ૧૨ રસ્તાઓ, પંચાયતના ૧૭૨ રસ્તાઓ, નેશનલ હાઈવેના બે રસ્તાઓ તેમજ અન્ય નવ રસ્તાઓ મળી કુલ ૧૯૫ રસ્તાઓ બંધ છે જેને પૂર્વવત કરવા તંત્ર કાર્યરત છે.
Recent Comments