નવી દિલ્હી, તા. ૨૨
દેશમાં એક તરફ કોરોના વાયરસ લોકડાઉન બાદ લોકો આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ કેન્દ્ર સરકાર દ્વારા સતત પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તેલ કંપનીઓએ સોમવારે સતત ૧૬મા દિવસે પેટ્રોલ-ડિઝલના ભાવ વધાર્યા છે. પેટ્રોલના ભાવમાં સોમવારે ૩૩ પૈસા અને ડીઝલના ભાવમાં ૫૮ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો છે. તાજા ભાવ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલના ભાવ ૭૯.૨૩ રુપિયાથી વધીને ૭૯.૫૬ રુપિયા અને ડીઝલના ભાવ ૭૮.૨૭ રુપિયાથી વધીને ૭૮.૫૫ રુપિયા પ્રતિ લિટર થઈ ગયા છે. આ માહિતી તેલ વિતરણ કરતી કંપનીઓ જાહેર કરેલા સત્તાવાર નિવેદનમાં આપવામાં આવી છે. તેલ કંપનીઓ દેશભરમાં એક સાથે ભાવ વધારો કરે છે, પરંતુ રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલ અલગ-અલગ ભાવે વેચાય છે અથવા વેટના કારણે અલગ-અલગ ભાવ હોય છે. છેલ્લા ૧૬ દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન પેટ્રોલના ભાવમાં ૮.૩૦ રુપિયા અને ડીઝલના ભાવમાં ૯.૪૬ રુપિયા પ્રતિ લિટરનો વધારો થઈ ગયો છે. એપ્રિલ ૨૦૦૨માં પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રણમુક્ત થયા બાદ કોઈ એક પખવાડિયામાં આ સૌથી મોટો ભાવ વધારો છે. તેલ કંપનીઓએ એપ્રિલ ૨૦૦૨માં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ પખવાડિયે ફેરફાર કરવાની શરુઆત કરી હતી. આ ભાવ આંતરરાષ્ટ્રીય બજારમાં થતા ઉતાર-ચઢાવના અનુરુપ નક્કી કરવામાં આવે છે. તેલ કંપનીઓએ મે ૨૦૧૭થી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દૈનિક ફેરફારની શરુઆત કરી હતી. ઉપલબ્ધ આંકડા અનુસાર, આ પહેલા કોઈ એક પખવાડિયામાં સૌથી વધુ ચારથી પાંચ રુપિયા પ્રતિ લીટરનો ભાવ વધારો થયો છે. પરંતુ આ વખતે છેલ્લા પખવાડિયામાં પેટ્રોલના ભાવમાં ૮.૩૦ રુપિયા અને ડીઝલના ભાવમાં ૯.૪૬ રુપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ અને તેના કારણે લાગૂ લોકડાઉન દરમિયાન ૮૨ દિવસો સુધી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈ ?વધારો કર્યો નહતો. ત્યારબાદ ૭ જૂનથી ભાવમાં કાચા તેલની આંતરરાષ્ટ્રીય લાગતના આધારે ફેરફાર કરવાનો આરંભ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર વાર્ષિક આધાર પર બે લાખ કરોડ રુપિયાની વધારાની રેવન્યૂ એકત્ર કરી શકશે. આ દરમિયાન તેલ કંપનીઓ ઉત્પાદન કર વૃદ્ધિનો ભાર ગ્રાહકો પર નાખ્યો નથી. એપ્રિલ-મે દરમિયાન જ્યારે આખી દુનિયામાં કોરોના વાયરસના કારણે લોકડાઉન લાગુ હતું, કાચા તેલના ભાવ છેલ્લા બે દાયકામાં સૌથી નીચા સ્તરે છે, પરંતુ જૂનની શરુઆતમાં આર્થિક ગતિવિધિ શરુ થાય બાદ માંગ વધવાથી કાચા તેલના ભાવ ધીમે-ધીમે વધવાના શરુ થયા છે. આ જ કારણે તેલ કંપનીઓ પણ એ વૃદ્ધિના આધારે ભાવ વધારો કરી રહી છે.