રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ • ૧૫ તાલુકાઓમાં બે ઈંચથી વધુ જ્યારે ૪૦ તાલુકાઓમાં એક ઈંચથી વધુ વરસાદ • આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

અમદાવાદ, તા.૨૫
રાજ્યમાં ફરી એકવાર મેઘાવી માહોલ જામવાની શરૂઆત થઈ હોય તેમ આજે રાજ્યના ૬૩ તાલુકાઓમાં મેઘરાજાની તોફાની બેટીંગ જોવા મળી રહી છે. સુરતના ઉમરપાડામાં શાનદાર બેટીંગ કરતાં માત્ર બે કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે. તો ભરૂચ અને જંબુસરમાં બપોર બાદ અઢી ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૪૦ તાલુકાઓમાં વરસાદ નોેંધાયો છે. ગાંધીનગરના માણસામાં ૪ ઈંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે. તો સાવરકુંડલા અને તાપીના સોનગઢમાં ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. મહેસાણાના કડીમાં પોણા ચાર ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના ચોટીલામાં સવાત્રણ ઈંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. તાપીના વ્યારા અને નિઝરમાં ૩ ઈંચ, તો ખેડાના કપડવંજમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ભાવનગર શહેર, મહેસાણા શહેર, અરવલ્લીના ધનસુરા, અમરેલીના રાજુલા તેમજ સાબરકાંઠા પોશીના, સુરતના માંડવી, અમરેલીના રાજુલા તેમજ પંચમહાલના ગોધરામાં બે ઈંચ કરતાં વધારે વરસાદ પડ્યો છે. આમ છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાજ્યના ૧૫ તાલુકાઓમાં બે ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે ૪૦ તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. પોરબંદરના રાણાવાવ, જૂનાગઢના વંથલી, ગીર સોમનાથના કોડીનારમાં આજે સવારના અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. કચ્છના નખત્રાણામાં દોઢ ઈંચ જ્યારે લખપતમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. દ્વારકાના ખંભાળિયામાં ૧ ઈંચ જ્યારે ગોંડલ, રાજકોટ, દ્વારકામાં અડધો ઈંચ તો ઉના, ધ્રોલ, વાંકાનેર, ટંકારા, જામકંડોરાણા, ભુજ, ભચાઉમાં ભારે વરસાદી ઝાપટા વરસ્યાના અહેવાલો સાંપડ્‌યા છે. આમ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વચ્ચે આવતી કાલે ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરાનગર હવેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, પોરબંદર, અમરેલી અને દ્વારકા સહિત કેટલાંક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે ૨૭મીએ નવસારી, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અન્ય કેટલાંક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ગરમી અને ઉકળાટથી ત્રસ્ત પ્રજાને રાહત પહોંચી છે તો વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૦ તાલુકાઓમાં જ્યારે આજે સવારથી ૧૦૮ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ થયો છે. જેમાં આજે બપોરબાદ માત્ર ચાર કલાકમાં સુરતના ઉમરપાડામાં સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ડાંગના વધઈમાં ૪ ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે.