(એજન્સી) નવી દિલ્હી, તા.૨૩
ભારતામાં કોરોનાના કેસોમાં અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો નોંધાયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૪૫ હજારથી વધુ નવા કેસો નોંધાયા છે. તેમજ એક હજારથી વધુ લોકોનાં મોત થયા છે. ભારતમાં કોરોના સંક્રમણનો કુલ આંકડો ૧૨,૩૮,૬૩૫ થયો છે. આરોગ્ય મંત્રાલયે ગુરૂવારે સવારે આ અંગેની માહિતી આપી હતી. મંત્રાલયના જણાવ્યા મુજબ હાલ દેશમાં ૪,૨૬,૧૬૭ એક્ટિવ કેસો છે. જ્યારે ૭,૮૨,૬૦૭ લોકો આ રોગને હારાવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી કુલ ૨૯,૮૬૧ લોકો જાન ગુમાવી ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલયે માહિતી આપતા જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવાં ૪૫,૭૨૦ કેસો સામે આવ્યા છે તેમજ ૧૧૨૯ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. બીજી તરફ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જણાવ્યું હતું કે ૨૨ જૂલાઈ સુધી ભારતમાં આ રોગ માટે કુલ ૧,૫૦,૭૫,૩૬૯ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. બુધવારે ૨૧ જુલાઈના રોજ એક દિવસમાં ૩,૫૦,૮૨૩ નમૂનાનું પરિક્ષણ કરવામાં આવ્યું હતું. છેલ્લા ૨૪ કલાકમાં જે ૧૧૨૯ લોકોનાં મોત થયા છે તેમાં સૌથી વધુ ૫૧૮ તમિલનાડુ રહેવાસીઓનો સમાવેશ થાય છે. ત્યારબાદ મહારાષ્ટ્રમાં ૨૮૦, આંધ્રપ્રદેશમાં ૬૫, કર્ણાટકમાં ૫૫, પશ્ચિમ બંગાળમાં ૩૯, ઉત્તરપ્રદેશમાં ૩૪, દિલ્હીમાં ૨૯, ગુજરાતમાં ૨૮, મધ્ય પ્રદેશમાં ૧૪, જમ્મુ કાશ્મીરમાં ૧૦, તેલંગાણા અને ઝારખંડમાં ૯-૯, હરિયાણામાં ૮, આસામ, પંજાબ અને રાજસ્થાનમાં ૬-૬, ઓરિસ્સામાં પાંચ, ગોવા અને ઉત્તરાખંડમાં ૨-૨, પુડુચેરી, ત્રિપુરા અને ચંડીગઢમાં ૧-૧ વ્યક્તિનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્રમાં કોવિડ-૧૯ના સૌથી વધુ ૧૦,૫૭૬ કેસ સામે આવ્યા હતા. ગતમોડી સાંજ સુધીના આંકડા મુજબ રાજ્યમાં અત્યાર સુધી કુલ ૩,૩૭,૬૦૭ લોકો આ રોગથી સંક્રમિત થઈ ગયા છે. આ ચેપના કારણે એક દિવસમાં ૨૮૦ દર્દીઓ દમ તોડી ચૂકયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક ૧૨,૫૫૬ થયો છે. દિલ્હીમાં આ સંક્રમણ સામે ઘણી હદ સુધી કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. દિલ્હીમાં કોરોનાના નવા ૧૨૨૭ કેસો નોંધાયા છે. દિલ્હીમાં કુલ કેસોની સંખ્યા ૧.૨૬ લાખ થઈ ગઈ છે. ઉપરાંત ૨૯ દર્દીઓનાં મોત સાથે મોતનો કુલ આંકડો ૩૭૧૯ થયો છે. અન્ય રાજયની વાત કરવામાં આવે તો આંધ્ર પ્રદેશમાં અત્યાર સુધી ૬૪૭૧૩ કેસો નોંધાયા છે. જેમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા હજુ ૩૧૭૬૩ છે. રાજયમાં આ રોગથી ૮૨૩ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. આસામમાં સંક્રમિતોનો આંકડો વધી ૨૬૭૭૨ થયો હતો. બિહારમાં પણ દર્દીઓની સંખ્યા ૩૦ હજારને પાર થઈ ગઈ છે. ઉત્તરપ્રદેશમાં અત્યાર સુધી ૫૫૫૮૮ કેસ નોંધાયા છે તેમજ ૧૨૬૩ લોકોનાં મોત થયા છે. રાજસ્થાનમાં આ રોગનો કુલ આંકડો ૩૨,૩૩૪ થયો છે અને અત્યાર સુધી ૫૮૩ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા ૮૩૮૭ છે.