(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના પ્રકોપથી બચવા ભારતમાં આજથી લોકડાઉન-૪ની શરૂઆત થઇ ગઈ છે જે ૩૧ મે સુધી અમલમાં રહેશે. ત્યારે સત્તાવાર આંકડા અનુસાર, છેલ્લાં ૨૪ કલાક દરમ્યાન દેશમાં કોરોના પોઝીટીવના અત્યાર સુધીમાં સૌથી વધુ ૫,૨૪૨ કેસો નોંધાયા છે. અને ૧૫૭ લોકો કોરોનાથી જીવ ગુમાવ્યો છે. તે સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૯૬,૧૬૯એ પહોંચી છે. અને કુલ ૩,૦૨૯ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં આજે સંક્રમિતોનો આંકડો ૩૩ હજારને પાર થયો છે. મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા ૧,૨૭૩એ પહોંચી છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૨,૩૪૭ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બીજા નંબરે રહેલા ગુજરાતમાં ૧૧,૩૮૦ લોકો કોરોનાથી સંક્રમિત છે. રવિવારે દેશમાં સૌથી વધારે ૫,૦૧૫ સંક્રમિત મળ્યા હતા તો બીજી તરફ ૨૫૩૮ લોકો સારવાર બાદ સાજા પણ થયા હતા. લોકડાઉન-૪માં કેન્દ્ર સરકારે રાજ્યોને લોકડાઉનમાં છૂટછાટ આપવાની સત્તા આપી છે. આંધ્રપ્રદેશમાં છેલ્લાં ૨૪ કલાકની અંદર મળ્યા કોરોનાના ૫૨ નવા પૉઝિટીવ કેસ નોંધાયા હતા. રાજ્યમાં દર્દીઓની સંખ્યા વધીને થઈ ૨,૨૮૨ થઇ છે. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ૧૯ પોલીસકર્મી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડાની એક મોબાઈલ કંપનીમાં ૬ કર્મચારી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે, હાલ આ કંપનીમાં કામ અટકાવી દેવાયું છે. દેશની રાજધાની દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૨૯૯ કેસ આવ્યા અને ૨૮૩ દર્દી રિકવર થયા છે. એ જ રીતે રાજસ્થાનમાં નવા ૧૪૦ નવા કોરોના પૉઝિટીવ કેસ બહાર આવ્યાં હતા અને ૨ દર્દીના મોત થયા છે અને ૫,૩૪૨ થઈ કુલ દર્દીની સંખ્યા. ૨,૬૬૬ દર્દી રિકવર થયા છે. તમિલનાડૂમાં ૧૧૨૨૪, દિલ્હીમાં ૧૦૦૫૪, રાજસ્થાનમાં ૫૨૦૨, મધ્યપ્રદેશમાં ૪૯૭૭ અને ઉત્તર પ્રદેશમાં કોરોનાના ૪૨૫૯ કેસ સામે આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રપતિ ભવનમાં તહેનાત એક એસીપીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની ઉંમર ૫૮ વર્ષ છે. તે રાષ્ટ્રપતિ ભવનમાં પોલીસ લાઈનમાં રહેતો હતો. ૧૩મેના રોજ એસીપી સહિત પાંચ પોલીસકર્મીઓનો કોરોના ટેસ્ટ કરાયો હતો. ત્યારબાદથી જ તમામ પોલીસકર્મી ક્વૉરન્ટીનમાં હતા. છેલ્લાં કેટલાંક દિવસોથી કોરોના વાયરસના કેસ સતત વધતા જઇ રહ્યા છે. સ્થિતિ એ છે કે એક પછી એક રેકોડબ્રકે કેસ સામે આવી રહ્યા છે. તેના લીધે દેશમાં કોરોના સંક્રમણના કેસનો આંકડો ઝડપથી એક લાખની સપાટી તરફ આગળ વધી રહ્યો છે.