(એજન્સી) નવી દિલ્હી, તા.૧૩
લાર્સન અને ટુબ્રો દ્વારા બનાવવામાં આવી રહેલી દિલ્હીમાં નિર્માણાધીન હોસ્પિટલના સ્થળે ૫૦ દિવસથી અટવાયેલા ૨૫૦ થી વધુ પરપ્રાંતિય કામદારોએ મંગળવારે સવારે તેમની અને પોલીસ વચ્ચે નજીવી બાબતે ઝઘડો થયા બાદ કામદારોએ મદદ માટે ભાવનાત્મક અપીલ કરી છે.
તેઓ પોતાનું બાકી રહેલ પગાર માંગી રહ્યા છે. પગારની ચુકવણીની માંગ સાથે અટવાયેલા બાંધકામ કામદારોએ અધિકારીઓને પત્ર લખ્યો છે કે તેઓ તેમના માટે વતન જવાના સ્થળોએ પરિવહનની વ્યવસ્થા કરે. તેઓએ આરોપ લગાવ્યો છે કે, કંપનીએ સ્થાનિક વહીવટની મદદથી તેઓને અટકાયતમાં રાખ્યા હોવાનું તેમને અનુભવ થઈ રહ્યું છે. અને ઘણા પ્રયત્નો કરવા છતાં, તેમને તેમના મૂળ સ્થળોએ જવાની મંજૂરી આપવામાં આવી નથી.
મદદની માંગ કરતાં બાંધકામ કામદારો, મોટાભાગે બિહાર, ઉત્તરપ્રદેશ, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના વતનીઓએ હિન્દીમાં એક પત્ર સાથેનો એક વીડિયો અને ફોટાઓ પણ જાહેર કર્યા છે, જેમાં લખ્યું છે કે, “અમે ઈંદિરા ગાંધી હોસ્પિટલના બાંધકામમાં સેક્ટર ૯, દ્વારકામાં ફસાયેલા છીએ.”
તેમણે કહ્યું કે, એલ એન્ડ ટી દ્વારા શરૂઆતમાં તેમને રાશન આપવામાં આવ્યું હતું પરંતુ લોકડાઉન લંબાવ્યા પછી તેમને જાતે જ તેની વ્યવસ્થા કરવાનું કહેવામાં આવ્યું હતું. અમે દ્વારકાના સેક્ટર ૧૦ માં સ્થિત ડી.એમ. ઓફિસમાં ગયા હતા અને અમને ત્યાંથી મુક્ત કરાવવા માંગણી કરી હતી. પરંતુ વહીવટીતંત્રે લોકડાઉન ટાંકીને અમારી મદદ કરવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ અમે વિરોધ પ્રદર્શન કર્યા પછી, તેઓએ માર્ચ સુધીનો અમારો પગાર આપ્યો હતો. જ્યારે “આપ” સરકાર દ્વારા વચન આપવામાં આવેલી નાણાંકીય મદદ અંગે પૂછવામાં આવતા કામદારોએ જણાવ્યું હતું કે તેમને કેન્દ્ર સરકાર તરફથી અથવા આપ સરકાર દ્વારા હજી સુધી કોઈ મદદ મળી નથી. બધા ફક્ત વાતો જ કરે છે.
કામદારોએ પત્રમાં લખ્યું છે કે અમે ખૂબ ગરીબ છીએ. ત્યારબાદ કોઈ અમને મળવા આવ્યું નથી. કૃપા કરીને અમારી સહાય કરો. ૧૧ એપ્રિલના રોજ પોલીસે અમને એક લિન્ક આપી હતી, પરંતુ અમને કોઈ મદદ મળી ન હતી. પછી તેઓએ અમને ખાનગી પરિવહનની વ્યવસ્થા કરવાનું કહ્યું. તેઓએ અમારી સાથે દુર્વ્યવહાર પણ કર્યો છે, અપમાનિત કર્યું છે આ અમારી નમ્ર વિનંતી છે કે અમારું વેતન અમને આપવામાં આવે અને અમને ઘરે જવાની છૂટ મળવી જોઈએ.