(એજન્સી) તા.૯
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહંમદના વડા મૌલાના મસૂદ અઝહર વિરુદ્ધ બજાવવામાં આવેલ ધરપકડ વોરંટ આ વૈશ્વિક આતંકી વિરુદ્ધ પ્રથમ નાનું પગલું છે જેને ઇસ્લામાબાદ દ્વારા અત્યાર સુધી લાપત્તા હોવાનું બતાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાની રાજદ્વારીઓએ ગઇ સાલ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સને (એફએટીએફ) જણાવ્યું હતું કે મસૂદ વિરુદ્ધ એટલા માટે કાર્યવાહી થઇ શકતી નથી કારણ કે તે લાપત્તા છે. ભારતીય અધિકારીઓએ ત્યારે પાકિસ્તાનને ફટકાર લગાવતા જણાવ્યું હતું કે તે આતંકી સંગઠનના બહાવલપુર સ્થિત હેડક્વાર્ટર મરકઝ-એ-ઉસ્માન ઓ અલી રેલવે લિંક રોડ પર આવેલા બોંબ પ્રતિરોધક નિવાસમાં રહે છે. એફએટીએફે ઇસ્લામાબાદને ગ્રે લિસ્ટમાં અકબંધ રાખ્યું છે. જેના કારણે વડા પ્રધાન ઇમરાનખાનની સરકારને આઇએમએફ જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ પાસેથી આર્થિક સહાય મેળવવી મુશ્કેલ થઇ ગઇ છે. દાયકાઓ સુધી પાકિસ્તાન મસૂદ અઝહર માટે ઢાલ બની રહ્યું હતું અને યુએન સિક્યોરિટી કાઉન્સિલની બેઠકમાં ઇસ્લામાબાદ સાથે બેઇજિંગે પણ તેનો બચાવ કર્યો હતો. હવે તેની વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવાની કાર્યવાહી અને લશ્કરે તોઇબાના કમાન્ડર ઝકીઉર રહેમાન લખવીની ધરપકડ અંગે ભારતીય અધિકારીઓનું કહેવું છે કે ગ્રે લિસ્ટમાંથી બહાર નીકળવા માટે પાકિસ્તાનની આ મજબૂરી છે. એફએટીએફની છેલ્લી બેઠકમાં પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી છે કે જો પાકિસ્તાન કેરળ ફંડીંગને રોકવા માટે પગલાં નહીં ભરે તો તેને હવે બ્લેક લિસ્ટ કરી દેવામાં આવશે. આથી અધિકારીઓનું કહેવું છે કે હવે આ પગલાથી થોડી પ્રગતિ દેખાય છે ભલે તેની ગતિ ઓછી છે. ભારતીય અધિકારીનું માનવું છે કે હવે દાઉદ ઇબ્રાહીમ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પણ પાકિસ્તાન પર દબાણ વધી રહ્યું છે. ૧૯૯૩માં મુંબઇ બોંબ બ્લાસ્ટની સાઝીશ રચનાર દાઉદ ઇબ્રાહીમ ભાગીને પાકિસ્તાન ચાલ્યો ગયો હતો અને છેલ્લા બેદાયકાથી કરાચીમાં રહીને દ.એશિયાની સૌથી મોટી ક્રાઇમ સિન્ડિરકેટ ચલાવી રહ્યો છે. દાઉદ અંગે પણ ઇસ્લામાબાદ એવો દાવો કરી રહ્યું છે કે તે પાકિસ્તાનમાં નથી. અધિકારીઓનું કહેવું છે કે આતંકવાદ વિરુદ્ધ સ્વયંને ગંભીર દર્શાવવા માટે દાઉદ ઇબ્રાહીમ વિરુદ્ધ ઇમરાન સરકાર માટે એસિડ ટેસ્ટ જેવી છે. દાઉદ ઇબ્રાહીમનું પાકિસ્તાનની પાવર સરકીટમાં સારું એવું વર્ચસ્વ છે. યુએનએસસી અને અમેરિકાના ગ્લોબલ આતંકીઓની યાદીમાં સામેલ દાઉદ ઇબ્રાહીમે ૨૦૦૫માં પોતાની પુત્રી મહરુખના લગ્ન પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર જાવેદ મિયાદાદના પુત્ર જુનૈદ મિયાદાદ સાથે કર્યા હતા. ભારતીય ઇન્ટેલિજન્સ સૂત્રોના જણાવ્યા અનુસાર મહરુખ અને જુનૈદે પોર્ટુગલના પાસપોર્ટ મેળવી લીધાં છે કે જેથી જરુર પડ્યે તેઓ દેશ છોડી શકે.