છોટાઉદેપુર,તા.પ
છોટાઉદેપુરમાં ગોગાદેવ ગામે દારૂનો જથ્થો પકડવા ગયેલ પોલીસ પર બુટલેગરોએ તીરમારો ચલાવતા પોલીસે ૧૩ રાઉન્ડ ફાયરિંગ કરી દારૂનો જથ્થો તથા વાહનો કબજે કર્યા હતા. જયારે બુટલેગરો ભાગી છુટવામાં સફળ થયા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુરના જંગલોમાં તેમજ ગોગાદેવ ગામ નજીક આવેલા કોતરમાં ઈંગ્લીશ દારૂની મોટાપાયે હેરાફેરી કરાતા હોવાની બાતમી પોલીસને મળી હતી. જેના આધારે છોટાઉદેપુર ડી.વાય.એસ.પી. ધર્મેન્દ્ર શર્મા રેડમાં જાતે જ ગયા હતા. છોટાઉદેપુરના ગોગાદેવ ગામે છોટાઉદેપુર ડીવાયએસપી પી.આઈ. તેમજ પોલીસ સ્ટાફ સાથે દરોડા પાડતા ગોગાદેવ ગામના કોતરમાં એક ટ્રેકટર અને પાણીના ટેન્કરમાં ઈગ્લીશ દારૂ ભરેલો હતો. તેમજ બે પીકઅપ દારૂ ભરેલી હતી. પોલીસને જોતા બુટલેગરોએ પોલીસ ઉપર તીરમારો શરૂ કર્યો હતો. જેના લીધે પોલીસે ૧૩ રાઉન્ડ ફાયરિંગ હવામાં કર્યું હતું. બુટલેગરોએ પોલીસને પડકાર ફેકતા હોય તેમ સામે તીરમારો કરતા હતા પોલીસે બુટલેગરોનો સામનો રીને કોતર સુધી મહામુસીબતે પહોંચી જતાં બુટલેગરો ભાગી ગયા હતા. પોલીસે બે પીકઅપ જીપ, એક ટ્રેકટર, એક ટેન્કર તેમજ ૪૦૦ પેટી ઈંગ્લીશ દારૂ સાથે અંદાજીત રપ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ રેડને સફળ બનાવા માટે પોલીસે જાનની બાજી લગાવી હતી. કારણ કે ગોગાદેવ ગામ ડુંગરોની તળેટીઓ વચ્ચે આવેલુ છે. મોબાઈલ નેટવર્ક આ જગ્યા પર મળતું નથી. અને કોતરોની અંદર બુટલેગરો દ્વારા દારૂનો જથ્થો સંતાડયો હતો આ દારૂ મધ્યપ્રદેશમાંથી જંગલના રસ્તે આવતો હોવાની પોલીસને શંકા છે અંદરના ગામડાઓમાંથી દારૂનો જથ્થો છોટાઉદેપુર જિલ્લાના ૬ તાલુકામાં ઠલવાઈ છેે. બુટલેગરો સામે પોલીસ સખ્તાઈથી વર્તતી હોવાથી બુટલેગરો પોલીસને થાપ આપીને ભાગી જતા પોલીસ જાતે જ ફરિયાદી બનીને અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.