છોટાઉદેપુર,તા.રપ
છોટાઉદેપુર જિલ્લા ખાતે છેલ્લા એક મહિનાથી લોકડાઉનના સમયમાં દિવસ-રાત કાર્યરત એવી ૧૦૮ ઈમરજન્સી સેવા ગામેગામ લોકોને ઇમર્જન્સીમાં મદદરૂપ થઇ રહી છે પરંતુ ઘણા ગામોમાં ૧૦૮ ઈમરજન્સીને પહોંચવામાં તકલીફ થઈ રહી છે છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ વધતા અમુક ગામના પ્રવેશદ્વારમાં લાઈટના થાંભલા, મોટા ઝાડ કાપીને તથા પથ્થરો મૂકીને તથા કાંટાની જાડિયો તથા વાસથી રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. ગામની બહારના કોઈ પણ વ્યક્તિને અવર જવર પર પ્રતિબંધ મૂકી દેતા અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એવી પણ ૧૦૮ ઈમરજન્સી સેવા દ્વારા અપીલ કરાઈ છે કે મુખ્ય રસ્તાઓ બંધ ના કરશો જો કોઈ વ્યક્તિને ૧૦૮ ઈમરજન્સી દ્વારા તાત્કાલીક સારવાર અર્થે લઇ જવાનું હશે તો ઘણી મુશ્કેલી સર્જાઈ શકે છે. ગામડાંઓમાં યુવાનો ગામના રક્ષક બની ગામમાં ચેકપોસ્ટ બનાવી રહ્યા છે. જે સારી બાબત છે પરંતુ ચેકપોસ્ટ એવી બનાવો કે ૧૦૮ ઈમરજન્સી જેવા વાહનની અવર-જવર થઈ શકે જેમકે વાંસની ચેકપોસ્ટ બનાવી શકાય. પરંતુ વીજળીના થાંભલાઓના મુકવા તથા મોટા મોટા પથ્થરો ના મુકવા જેથી આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક જરૂરિયાત પડતા રસ્તો ખોલી પણ શકાય. દરેક ગામડામાં રસ્તો બંધ કરવો એ લોકડાઉન નથી પરંતુ એ મહત્વનું છે કે ગ્રામ્ય વિસ્તારમાં સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરી આવશ્યક સુવિધા કઈ રીતે ઉભી કરી શકાય તે અગત્યનું છે એ તરફ ગામના તમામ સરપંચોએ ધ્યાન દોરવું જોઈએ.