છોટાઉદેપુર, તા.૬
છોટાઉદેપુર રેન્જના ઝોઝથી ભીલપૂર ગામ સીમ નજીક વન્યપ્રાણી દીપડાનું ચામડું વેચવા ફરતા પાંચ ઇસમોની ધરપકડ કરવામાં આવી છે.
છોટાઉદેપુર, બારિયા અને વડોદરા એમ ત્રણ વન વિભાગના જંગલ અડીને આવેલા હોવાથી ક્યાંક શિકારીઓ વન્યપ્રાણીના શિકાર કરી થોડા રૂપિયા કમાઇ લેવાની લહાયમાં વન્યપ્રાણીનો શિકાર કરી તેના અંગોનો વેપાર કરતા હોય છે તેવી જાણ છોટાઉદેપુર વન વિભાગના આર.એફ.ઓ. હિતેન્દ્રસિંહ ચાવડાને થતાં તેઓએ વન કર્મચારી અને ખાનગી બાતમીદારોને કામે લગાડતા તેઓને બાતમી મળી હતી કે, ઝોઝથી ભીલપૂર ગામની સીમમાં કેટલાક ઇસમો પોતાની તવેરા ગાડી લઈ દીપડાનું ચામડું વેચવા માટે ફરે છે તેવી બાતમીના આધારે વન વિભાગના આર.એફ.ઓ. દ્વારા નકલી ગ્રાહક ઊભા કરી તેઓને વિશ્વાસમાં લઈ છોટાઉદેપુર ખાતે બોલાવીને દબોચી લીધા હતા અને તે પાંચ ઇસમની ઘનિષ્ઠ પૂછપરછ કરી તેઓ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.