(સંવાદદાતા દ્વારા)
છોટાઉદેપુર,તા.ર
સમગ્ર ગુજરાત હાલ પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત તળ ગુજરાત અને મધ્ય ગુજરાતનાં ગામડાઓમાં પાણીનાં એક બેડા માટે પ્રજા વલખા મારી રહી છે. તો મોટાભાગનાં ડેમો તળિયા ઝાટક તેમજ તેમાં ૩૦ % કરતા ઓછું પાણી જોવા મળી રહ્યું છે ત્યારે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. જે અંગે ચીફ ઓફિસરે પ્રાદેશિક કમિશનરને પત્ર પાઠવ્યો છે.
આ પત્રમાં જણાવ્યાનુસાર નગરપાલિકા વિસ્તારમાં અંદાજે ૪૦૦૦થી વસ્તીને પહોંચી વળવા ૬ એમ.એલ.ડી. પીવાનું પાણી પુરૂં પાડવા માટે હાલમાં અલીરાજપુર રોડ વોટર વર્કસ તથા ફતેપુર વોટર વર્કસ છે. હાલમાં ઓરસંગ નદીમાં પાણીના સ્ત્રોત ઉંડા જવાથી તથા પાણી સુકાઈ જવાથી બંને વોટર વર્કસ ઉપર પાણીનો જથ્થો જૂજ પ્રમાણમાં મળે છે તથા પાણીનું લીફટીંગ કરવા માટે ૧૦થી ર૦ મિનિટ સુધીજ પંપીગ થાય છે.
બંને વોટર વર્કસ ઓરસંગ નદીમાં આવેલા છે. ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થવાથી નદીમાં પાણીનો સંગ્રહ ઓછો થઈ ગયેલ છે. જેને કારણે પાણીની ગંભીર સમસ્યા ઊભી થાય છે.
ઉપરાંત હાફેશ્વર (નર્મદા ડેમ)થી દાહોદ તરફ જતી પાઈપ લાઈન જે હાલમાં છોટાઉદેપુર વોટર વર્કસ સુધી પૂર્ણ થયેલ છે. ટુમડિયાના ગ્રામજનોના વિરોધ બાદ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્ય.બોર્ડ દ્વારા પોલીસ પ્રોટેકશન સાથે આ અટકી પડેલ કામગીરી શરૂ કરવા કાર્યવાહી કરી છતાં પણ કામગીરી પુરી થયેલ નથી. જો તેનું નિરાકરણ સત્વરે કરવામાં આવે તો છોટાઉદેપુર નગરને સત્વરે પાણી મળી રહે તેમ છે.
હાલમાં નગરપાલિકા વિસ્તારમાં તા.ર૮/૪/૧૯ સુધી એકદિવસના અંતરે ૩ એમ.એલ.ડી. પાણી પુરવઠો પુરો પાડવામાં આવતો હતો. જેમાં પણ પાણીનો સ્ત્રોત રોજ બરોજ ઘટતો જાય છે. જેથી નગરજનોને પાણી પુરવઠો પુરો પાડવા રોજ બરોજ પાણીની ગંભીર પરિસ્થિતિ ઉભી થતી જાય છે. હાલમાં અંદાજે દોઢ એમ.એલ.ડી. પાણીનો જથ્થો મળી રહે છે.
વધુમાં જણાવાયું હતું કે, ઓરસંગ નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન તથા રેતીની લીઝો ઉપર નગરપાલિકાના અલીરાજપુર વોટર વર્કસના ર કિ.મી. ઉપરવાસથી લઈ ફતેપુરા વોટર વર્કસના ર કિ.મી. નીચેના વિસ્તાર સુધી કાયમી ધોરણો પ્રતિબંધ મૂકવામાં આવે તો નગરપાલિકાના બંને વોટર વર્કસમાં કાયમી ધોરણે પાણી પુરવઠો પુરતા પ્રમાણમાં મળી રહે તેમ છે. અને ઓરસંગ નદીમાં આવેલ રેલવે ઓવર બ્રિજ, નેશનલ હાઈવે બ્રિજ, નગરપાલિકા સંચાલિત બંને વોટર વર્કસ, સ્ટેટ હાઈવે બ્રિજ તથા નવો મંજુર થયેલ અને બનાવવામાં આવનાર ચેકડેમ જેવા કાયમી સ્ટ્રકચરોને નુકસાન થતું આટકી શકે તેમ છે.