છોટાઉદેપુર, તા.૧૧
છોટાઉદેપુર નગરના રાજાના પુત્રને પોલીસે જાહેરામાં ઉઠબેસ કરાવતા ચકચાર મળી જવા પામી હતી. આ બનાવની જાણ તેમના પત્ની અને સમર્થકો પોલીસ સ્ટેશન ધસી ગયા હતા. જ્યાં અધિકારીઓ ન મળતા અને ફરિયાદ ન લેવાતા રાજ્યના સમર્થકો એસપી કચેરીએ ગયા હતા. ત્યાં પણ કોઈ અધિકારી ન મળતા સમર્થકો જિલ્લા કલેકટરને બંગલે ગયા હતા. બાદમાં પોલીસમાં અરજી આપી દીધી. આ બનાવે નગરમાં ચકચાર જગાવી હતી.
પ્રાપ્ત વિગત અનુસાર છોટાઉદેપુર રાજાના પુત્ર તેના બે મિત્રો સાથે નગરમા આવેલી ચાની લારી પર ચા પીવા બેઠા હતા એ સમયે છોટાઉદેપુર પોલીસની પીસીઆર વાન આવી પહોંચી અને રાજાના પુત્રને તેમજ તેના મિત્રોને અહી કેમ બેઠા છો ઘરે જાવ તેવું કહેતા રાજાના પુત્રએ જણાવ્યું કે હું રાજાનો દિકરો છું અને ચા પીને ઘરે જઈશ. આવું જણાવતા પોલીસે ગુસ્સે ભરાઈને રાજાના પુત્રને કહ્યું કે હવે એ રાજાશાહી રહી નથી. હવે આ લોકશાહી સરકાર છે અને પોલીસે ગુસ્સામાં આવી રાજાના પુત્ર સહિત તેના બે મિત્રોને પીસીઆર વાનમાં બેસાડી નગરના બસ ડેપો ખાતે લાવી જાહેરમાં ઉઠબેસ કરાવતા નગરમાં આવતા વાયુવેગે પ્રસરી જતા આની જાણ રાજાને થતા રાજા જયપ્રતાપસિંહે તેમજ તેમની પત્ની અને તેમના સમર્થકો સીધા જ પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. જ્યાં બિનઅધિકૃત રીતે વોક વિથ દબંગાઈ કરીને પોલીસે પોતાનો રૂઆબ છાંટતા રાજાના પુત્ર અને તેના મિત્રોને ઉઠબેસ કરાવી તેની વિરૂધ્ધ ગુનો નોધવા રાજા ગયા હતા પરંતુ પોલીસ સ્ટેશનમાં અધિકારીઓ ન મળતા તેઓની ફરિયાદ ન લેવાતા રાજા તેમના સમર્થકો સાથે એસપી કચેરીએ ગયા હતા. ત્યાં પણ અધિકારીઓ ન મળતા સમગ્ર મામલો ઉગ્ર બનતા તાત્કાલિક રાજાના સમર્થકો અને રાજા જિલ્લા કલેકટરના બંગલે રાત્રે ૩ વાગે પહોંચ્યા હતા. જિલ્લા કલેકટરે સમગ્ર બનાવને ગંભીરતાથી લઈ પોલીસ અધિકારીને જાણ કરતા રાત્રે ૩ વાગે છોટાઉદેપુર પીઆઈ પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યારબાદ રાજાએ રાત્રે ૩ વાગે પોલીસ કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધાવી અરજી આપી હતી.