છોટાઉદેપુર, તા.રપ
છોટાઉદેપુર મધ્યપ્રદેશ સરહદ પર ફેરકુવા ખાતે ખાણ અને ખનીજ તથા પ્રાંત અધિકારી સહિતના ફરજરત અધિકારીઓ દ્વારા મધ્ય રાત્રીના રેડ પાડવામાં આવી હતી. આ રેડ દરમિયાન અંદાજે રૂા.૨ કરોડનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. છોટા ઉદેપુર જિલ્લા કલેકટરે જિલ્લામાં ચાલતા ખનીજ ચોરીના દૂષણને નાબૂદ કરવા સક્રિય થવા સૂચના આપી હતી. ત્યારે મોડી રાત્રે જિલ્લા ભૂસ્તરશાસ્ત્રી તથા પ્રાંત અધિકારીશ્રી છોટાઉદેપુરના માર્ગદર્શનમાં ખાણ ખનીજ તથા મામલતદારની સયુંક્ત ટીમ દ્વારા ઓચિંતી રેડ પાડવામાં આવી હતી. મધ્યપ્રદેશ બોર્ડર પાસેના ફેરકુવા ગામ પાસેથી સાદી રેતીનું બિનઅધિકૃત્ત રીતે વહન કરતા કુલ ૮ ટ્રકો ઝડપી લઇ આશરે બે કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સીઝ કર્યા છે તેવા તમામ વાહનો ખુંટલીયા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવ્યા હોવાનું ખાણ ખનીજ વિભાગના ભૂસ્તશાસ્ત્રીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.