(સંવાદદાતા દ્વારા)  છોટાઉદેપુર, તા.૯

લોક રક્ષક દળ  ઉમેદવારોના જાતિના દાખલા મંજૂર કર્યાના છ માસ જેટલો સમય વિત્યો હોવા છતાં નિમણૂંક ન થતા ઉમેદવારોએ ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. છોટાઉદેપુર નગર સેવા સદનના પટાંગણમાં લોકરક્ષક દળના ૨૦ જેટલા ઉમેદવારો આજરોજ ભૂખ હડતાળ પર બેસી ગયા હતા, જેઓ પાસે થી મળી આવેલ વિગતો પ્રમાણે  ગુજરાત રાજ્ય સરકારના ગૃહ વિભાગ તરફથી ૧૫/૮/૨૦૧૮ના રોજ એલ.આર.ડી.ની ભરતી બહાર પાડવામાં આવી  હતી.  ત્યારબાદ એલ.આર.ડી.  ભરતી બોર્ડમાં મેરીટમાં આવતા એસ.ટી. ઉમેદવારોના જાતિના દાખલાની ખરાઇ પ્રક્રિયા હાથ ધરવાનું કામ ગુજરાત રાજ્યની વિશ્લેષણ સમિતિને સોંપવામાં આવેલ હતું. ગુજરાત રાજ્યની   વિશ્લેષણ સમિતિએ અધુરી તપાસ રાખીને એલઆરડી ભરતી બોર્ડમાં ઉમેદવારોની યાદી સોપેલ જેનાથી મુખ્ય મેરીટમાં આવતા કેટલાક ઉમેદવારો નિમણૂકથી વંચિત રહ્યા છે, હવે આ નિમણૂંકથી વંચિત આ ઉમેદવારોના જાતિના દાખલાની ખરાઈ થઈ ગયેલ હોવા છતાં ભરતી બોર્ડમાં જગ્યાના રાખેલ હોવાથી આ ઉમેદવારો નિમણૂકથી વંચિત  છે. ઉમેદવારોના જાતિના દાખલા મંજૂર કર્યાના છ માસથી વધુ સમય વિત્યા બાદ પણ આ ઉમેદવારોની યાદી ગૃહ વિભાગને સોંપી નથી બિરસા ભવનના અધિકારીઓને વારંવાર પૃચ્છા કરતાં યોગ્ય જવાબ મળતો નથી. ઉમેદવારો દ્વારા અલગ-અલગ જગ્યાએ વારંવાર રજૂઆત અર્થે ગયા હોવા છતાં ખૂબ લાંબો સમય વિત્યા બાદ પણ ચોક્કસ પરિણામ મળેલ નથી અને આર્થિક અને માનસિક રીતે પણ ખૂબ હેરાનગતિ અનુભવી રહ્યા છે. જેવી અનેક રજૂઆતો સાથે આ ઉમેદવારો આજરોજ છોટાઉદેપુર નગર સેવા સદનના પટાંગણમાં ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે અને જ્યાં સુધી આ બાબતે ચોક્કસ પરિણામ લક્ષી ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભૂખ હડતાલ ચાલુ રાખવાનું જણાવેલ છે.