(સંવાદદાતા દ્વારા) બોડેલી,તા.૬
છોટઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગની આજ રોજ બોડેલી સેવા સદન ખાતે મીટિંગ યોજાઈ હતી. જેમાં શિક્ષણ સચિવ ઉપસ્થિત રહ્યા હતા અને જિલ્લામાં કથળેલા શિક્ષણને લઈ જિલ્લા શિક્ષણ અધિકારીનો ઉધડો લીધો હતો. આજ રોજ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી બી.આર.સી. અને સીઆરસીની મીટિંગ બોડેલી સેવાસદન ખાતે રાખવામાં આવી હતી. જેમાં શિક્ષણ સચિવ વિનોદ રાવ ઉપસ્થિતિ રહ્યા હતા અને માહિતી લેતા દરેક સીઆરસીને બેથી ત્રણ ચાર્જ હોવાથી દરેક સીઆરસીને એક ચાર્જ આપવાનું સુચન કર્યું હતું. જયારે જિલ્લા શિક્ષણ અધિકારીને મિશન વિદ્યા અંતર્ગત જિલ્લાની માહિતી પૂછતા તેઓ પાસે પુરતી માહિતી મળતા શિક્ષણ સચિવે તેઓનો ઉધડો લીધો હતો અને શિક્ષણ સચિવ ગાંધીનગરથી તાત્કાલિક જી.સી.ઈ.આર.ટી. નિયામક અને એસ.પી.ડી.ને ગાંધીનગરથી બોડેલી આવી મિશન વિદ્યા અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી બી.આર.સી. અને સી.આર.સી.ને માહિતી આપવા મીટિંગ રાખેલ હતી. ત્યાર બાદ શિક્ષણ સચિવ બોડેલી તાલુકાના ધોળીવાવ ગામે જ્ઞાનકુંજ પ્રોજેકટ શાળાની મુલાકાત લીધી હતી અને મધ્યાહન ભોજન રસોડામાં નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ માટે બનતી ખીચડી ટેસ્ટ કરી ગુણવત્તા તપાસ કરી હતી. શિક્ષણ સચિવની મુલાકાતથી શિક્ષક જગતમાં ફફડાટ જોવા મળ્યો હતો.