(સંવાદદાતા દ્વારા)
છોટાઉદેપુર, તા.૮
છોટાઉદેપુર જિલ્લા માટે કોરોનાને લઇને વધુ એક સારા સમાચાર સામે આવ્યા છે. જિલ્લા કલેકટર સુજલ મયાત્રા તરફથી મળતી વિગતો અનુસાર છોટાઉદેપુર સ્ટેશન રોડ વસેડી ખાતે રહેતા કોરોના પોઝિટિવ દર્દીને સઘન સારવાર બાદ તબિયત સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
છોટાઉદેપુરના સ્ટેશન રોડ વસેડી ખાતે રહેતા અસ્ફાક ખાલપાને કોરોના પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોરોના વાયરસના આ દર્દીને સઘન સારવાર બાદ છેલ્લા ૨૪ કલાકના “કોવિડ-૧૯” માટેના ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવતા, આજ તા.૮/૫/૨૦૨૦ના રોજ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જિલ્લામાં કુલ ૧૪ કોરોના છોટાઉદેપુર જિલ્લામાં કુલ ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. ૧૪ પૈકી ૧૩ દર્દીઓને સઘન સારવાર બાદ તબિયત સ્વસ્થ થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે એક દર્દી હજુ પણ સારવાર હેઠળ હોવાનું જિલ્લા પ્રશાસન તરફથી જણાવાયું છે. છોટાઉદેપુર જિલ્લાના કલેકટર સુજલ મયાત્રાએ જિલ્લાના પ્રજાજનોને “લોકડાઉન”ના તમામ નીતિ નિયમો, અને સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરીને, આગામી દિવસોમાં જિલ્લાને “કોરોના મુક્ત” કરવામાં સૌને સહયોગ આપવાનો અનુરોધ કર્યો છે.