છોટાઉદેપુર, તા.૩
છોટાઉદેપુર જિલ્લાના ભાજપના બે જૂથ વચ્ચે હિંસક અથડામણની ઘટના સામે આવી છે, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખને ગંભીર ઈજાઓ પહોંચી છે તો સામે પક્ષે પણ ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ભાજપના એક વોટ્‌સએપ ગ્રુપમાં કોઈક બાબતે તકરાર થયા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ રાઠવા અને પાવીજેતપુરના સરપંચ મોન્ટુ શાહ તેમજ બન્નેનાં સમર્થકો વચ્ચે મારામારી થઈ હોવાની વિગતો મળી રહી છે. જેમાં ભાજપ પ્રમુખ જશુભાઈ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં આપેલ ફરિયાદ મુજબ પાવીજેતપુરના કાર્યકર ચિરાગ ધોબીએ ભાજપના વોટ્‌સએપ ગ્રુપમાં પાર્ટી વિરુદ્ધના મેસેજો કરતાં પ્રમુખ તેને સમજાવવા તેના ઘરે ગયા હતા જ્યાં તેઓની વચ્ચે ચકમક ઝરી હતી. ત્યારબાદ જશુભાઈને પોતે પાવીજેતપુરમાં અસુરક્ષિત હોવાનું લાગતા તેઓ પાવીજેતપુર પોલીસ મથકમાં ગયા પરંતુ ત્યાં પી.એસ.આઈ. હાજર ન હોય તેઓ પરત ફર્યા હતા. ત્યારે પાવીજેતપુરના તીન બત્તી વિસ્તારમાં સરપંચ મોન્ટુ શાહ, અંકિત શાહ, પ્રફુલ શાહ અને ચિરાગ ધોબીએ પ્રમુખ જશુભાઈને જાતિ વિરોધી અપશબ્દો બોલી ઢોર માર માર્યો છે અને સોનાની ચેન તેમજ રોકડ રૂપિયા લૂંટી લીધા છે. છોટાઉદેપુર પોલીસે જીરો નંબરથી સરપંચ મોન્ટુ સહિત ચાર સામે એટ્રોસિટી સહિત એકટ હેઠળ ફરિયાદ નોંધી છે.
તો બીજી તરફ સરપંચ મોન્ટુ શાહના સમર્થકો ભાજપ પ્રમુખ ઉપર વિધાનસભામાં હારના કારણે ખોટો દ્વેષ ભાવ રાખી મારામારી કરી હોવાનો આક્ષેપ કરી રહયા છે.
ચિરાગ ચૌહાણ (ધોબી) એ પ્રમુખ જશુભાઈ રાઠવા સહિત અન્ય અજાણ્યા ચાર શખ્સો સામે પાવીજેતપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.