શોધખોળ વેળા બેભાન અવસ્થામાં પૌત્રને દાદાએ જોતાં તાબડતોડ સારવાર અર્થે ખસેડ્યો, પાંચ-પાંચ હોસ્પિટલમાં લઈ ગયા બાદ બે દિવસની
સારવાર બાદ ધ્રુવનું મોત : હત્યારા પુત્ર સામે પિતાએ ફરિયાદ નોંધાવી

મોડાસા, તા.૩
“છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય” તે કહેવતને ખોટી પાડતી ઘટના અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતોલી ગામે બની છે જેમાં ત્રણ ત્રણ લગ્ન કર્યા બાદ પણ સુખી સંસાર ભોગવી નહિ શકનાર યુવકે તેના જ ૪ વર્ષીય માસુમ પુત્રને કાળા દોરાથી ગળે ટૂંપો આપી પુત્રનું મોત નીપજ્યું હોવાનું માની કુવા નજીક તેના ખેતરમાં નાખી દઈ રફુચક્કર થઇ જતા ભારે ચકચાર મચી હતી ખેતરમા બેભાન અવસ્થામાં રહેલા પૌત્રને દાદાએ જોતા જ તાબડતોડ સારવાર અર્થે દવાખાને ખસેડાયો હતો ૪ વર્ષીય પૌત્રનું મોત નિપજતા પરિવારજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું હતું પૌત્રની હત્યા પુત્રએ જ કરી દેતા પિતાએ પુત્ર સામે પૌત્રની હત્યા કરવાનો ગુનો ઇસરી પોલીસ સ્ટેશને નોંધાવતા પોલીસે હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. મેઘરજ તાલુકાના અંતોલી ગામનો નૈનેશ નરસિંહ નિનામા છેલ્લા સાત વર્ષથી અમદાવાદ બાજુ છુટક મજુરી કામ કરતો હતો તેણે પ્રથમ નારણપુર ગામે એક મહિલા સાથે પ્રેમલગ્ન કર્યા હતા તેઓનું લગ્ન જીવન એકાદ વર્ષ સુધી સારૂં રહ્યું હતું ત્યારબાદ નૈનેશ અને તેની પત્ની વચ્ચે મનમેળ ન રહેતાં નૈનૈશની પત્ની તેના પિયરમાં જતી રહી હતી ત્યારબાદ નૈનેશ દાવલી ગામે એક મહિલા સાથે બીજા પ્રેમલગ્ન કર્યા હતા જેમાં નૈનેશે આ મહિલા સાથે ત્રણ વર્ષ સુધી ઘર સંસાર ચલાવ્યો હતો તે દરમ્યાન તેને સંતાનમાં એક દીકરો ધ્રુવ હતો ધ્રુવનો જન્મ થયાપછી આ બન્નેને મનમેળ ન રહેતાં નૈનેશની બીજી વારની પત્ની તેના છોકરા ધ્રુવને નૈનેશના ઘરે મૂકી તેના પિયર જતી રહેલી ત્યારથી ધ્રુવને તેના પિતાના પરિવારે પાસે રાખી તેઓએ તેનું પાલન પોષણ કરી મોટો કર્યો હતો ત્યારબાદ નૈનેશ દાહોદ જિલ્લાના ઘરબાડા તાલુકાના કોઇ ગામની છોકરી સાથે પ્રેમલગ્ન કરી તેના ઘરે અંતોલી ગામે છ માસ અગાઉ લાવેલો ત્યારબાદ નૈનેશની ત્રીજી પત્ની અંતોલી ગામે ચાર માસ જેટલો સમય રહેલી અને દાહોદથી તેના પિતા અંતોલી ગામે આવતાં નૈનેશની ત્રીજી પત્ની પણ તેના પિયર જતી રહી હતી ત્યારબાદ નૈનેશ અમદાવાદ ખાતે મજૂરી કામે જતો રહેલો અને તા.૨૫/૮/૨૦૨૦ના રોજ અમદાવાદથી નૈનેશ પાછો તેના ઘરે અંતોલી આવ્યો હતો અને તેના પિતા સાથે રહેતો હતો. તા.૨૮/૮/૨૦૨૦ના રોજ સવારે નૈનેશ તેના દીકરા ધ્રુવને લઇને રેલ્લાવાડા ગામે બાલકપાવવા ચાલતો નીકળ્યો હતો ત્યારબાદ અડધા કલ્લાકમાં નૈનેશ એકલો ઘરે આવી અને તેના કપડા થેલીમાં ભરી નીકળતો હતો તેવામાં નૈનેશના પિતા નરસિહભાઇએ નૈનેશને પુછ્યું હતું કે ધ્રુવ ક્યાં છે નૈનેશે નરસિહભાઇને જણાવ્યું હતું કે ધ્રુવને મારી માસીના ઘરે મૂકીને આવ્યો છું તેમ જણાવી નૈનેશ કપડાંનો થેલો લઇને જતો રહ્યો હતો જેથી નરસિહભાઇએ નૈનેશની માસીને ફોન કરીને પુછ્યું હતું કે ધ્રુવ તમારી પાસે છે તેમણે કહ્યું કે ધ્રુવ અહિંયા આવ્યો નથી ત્યારબાદ નૈનેશના પિતા અને માતાએ આજુબાજુ ધ્રુવની શોધખોળ આદરી હતી તેવામાં તેમના ઘર નજીક આવેલ કુવા પાસે મકાઇના ખેતરમાંથી મળ્યો હતો. ધ્રુવના ગળામાં કાળો દોરો ફીટ બાંધી ગાંઠ મારી દીધેલ હતી અને ધ્રુવ બેભાન હાલતમાં પડેલ હતો જેથી નરસિંહભાઇએ ધ્રુવને ઊંચકી ઘરે લાવી તેના ગળામાંથી દોરો કાપી અને ધ્રુવને મોટરસાયકલ ઉપર ઇસરી સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો. દવાખાનાના હાજર તબીબે તપાસ કરી વધુ સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે રીફર કર્યો હતો પરંતુ ધ્રુવની નાજુક હાલતને લઇ વધુ સારવાર માટે ધ્રુવને અન્ય હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ ત્યાં પણ હોસ્પિટલના તબીબે ના પાડતાં મોડાસાની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ધ્રુવને એડમીટ કરાયો હતો જ્યાં ધ્રુવને બે દિવસ વેન્ટીલેટર ઉપર રખાયો હતો. પરિવાર પાસે પૈસા ન હોવાથી ધ્રુવને પ્રાઇવેટ હોસ્પિટલમાંથી રજા લઇ ૩૦ ઓગષ્ટે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં ધ્રુવ વેન્ટીલેટર ઉપર હતો. ૩૧ ઓગષ્ટે સવારે ધ્રુવનું સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજ્યું હતું, જે ઘટના બાબતે આરોપી નૈનેશના પિતા નરસિંહ દેવા નિનામા રહે. અંતોલી તા.મેઘરજે ઇસરી પોલીસમાં પોતાના દીકરા નૈનેશ સામે ખુનનો ગુનો નોંધાવ્યો હતો. ઇસરી પોલીસે ફરાર આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.