(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૪
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં બુધવારે બજેટ પર ચર્ચા અગાઉ વિરોધપક્ષના સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ગણવેશ અને આઈકાર્ડ ન મળ્યા હોવાથી વિરોધ પક્ષના સભ્યો ગળામાં બોર્ડ લટકાવીને આવ્યાં હતાં. વિદ્યાર્થીઓને આઈકાર્ડ મળે તેવી માંગની સાથે ડ્રેસ ન મળ્યાં હોય કપડાં પર ડ્રેસની માંગ કરતાં સુત્રો લખીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.
શૈક્ષણિક કાર્ય શરૂ થવાના ૬ મહિના બાદ પણ નગર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા મોટા ભાગના વિધ્યાર્થીઓને હજુ સુધી ગણવેશ અને આઇકાર્ડ મળ્યા નથી. તે માટે વિરોધ પક્ષ દ્વારા વિરોધ પ્રદર્શન કરી વિદ્યાર્થીઓ ગણવેશ અને આઇકાર્ડ અપાવવા માટે અનેકવાર રજૂઆતો કરી છે. તેમ છતાં હજુ સુધી વિદ્યાર્થીઓને આઇકાર્ડ અને ગણવેશ મળ્યા નથી. તેમ છતાં શાસક પક્ષના પેટનું પાણી હલતુ નથી. પોતાના માનિતા ઇજારદારને બ્લેક લિસ્ટ કરવાના બદલે છાવરી રહ્યા હોવાનો આક્ષેપ વિરોધ પક્ષ કરી રહ્યા છે. હાલ બજેટને લઇને પાલિકા તંત્રએ મીટીંગનો દૌર શરૂ કર્યો છે. તેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતીમાં પણ બજેટને લઇ ચર્ચા માટે એક મીટીંગનું આયોજન કર્યુ હતું. બુધવારે બજેટની ચર્ચા પહેલાં જ વિરોધ પક્ષના સભ્યોએ ગોપીપુરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બહાર અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યો હતો.