એક વખતમાં માત્ર ૨૫૦૦ મુલાકાતીઓને જ મંજૂરી અપાશે : કોરોનાની તમામ સાવચેતીઓ રાખવી પડશે

(એજન્સી)    આગ્રા, તા.૨૦

વિશ્વ પ્રસિદ્ધ ભારતના પર્યનટ સ્થળ તાજમહેલ અને આગરા ફોર્ટ છ મહિના બાદ સોમવારથી ફરી ખુલશે. કોરોના મહામારીના કારણે આ પ્રવાસન સ્થળોને બંધ કરી દેવામાં આવ્યા હતા. ભારતીય પર્યટન સ્થળોને ફરી શરૂ કરવા માટે ભારતીય પુરાત્વ ખાતાએ જરૂરી તમામ વ્યવસ્થા કરી લીધી છે. તાજમહેલના કેરટેકર અમરનાથ ગુપ્તાએ જણાવ્યું હતું કે, પૂર્વ અને પશ્ચિમ દરવાજાને સેનિટાઈઝ કરવા ઉપરાંત થર્મલ સ્ક્રીનિંગ, સામાજીક અંતર, સર્કલ પેન્ટિંગ વગેરે સાવચેતી પૂર્ણ કરી લેવામાં આવી છે. એક વખતમાં માત્ર ૨૫૦૦ પ્રવાસીઓને મુલાકાતની પરવાનગી અપાશે. મંજૂરી પણ માત્ર ઓનલાઈન બુકિંગ દ્વારા જ મળશે. વિદેશી પ્રવાસીઓને બુકિંગ માટે ૧૧૦૦ રૂપિયા અને જ્યારે દેશના નાગરિકોને વ્યક્તિ દીઠ ૫૦ રૂપિયા ચૂકવવાના રહેશે. શાહજહાં અને મુમતાઝ મહલની કબરોને જોવા મુખ્ય મંચથી જવા માટે વધારાના ૨૦૦ રૂપિયા ચૂકવવા પડશે. અત્રે ઉલ્લેખનિય છે કે, આગરામાં કોરોનાના સાડા ચાર હજાર કેસ છે. છેલ્લા ૨૪ કલાકમાં આગરા જિલ્લામાં કોરોનાના નવા ૧૦૫ કેસ નોંધાયા છે. અત્યાર સુધી કુલ ૪૭૦૬ કેસ નોંધાયા છે. જેમાંથી ૩૭૨૭ દર્દીઓ સાજા થઈ ગયા છે. સક્રિય કેસોની સંખ્યા ૮૬૨ છે. જ્યારે આ વાયરસના કારણે અત્યાર સુધી ૧૧૭ લોકોના મોત થઈ ચૂકયા છે.

દરમ્યાન આગરા યુનિવર્સિટીએ ગઈકાલે મોડી સાંજે મેડિકલ કોલેજમાં કોરોનાના નવા ૨૫ કેસ નોંધાતા  સોમવારે યોજાનારી એમબીબીએસની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે. સંક્રમિત લોકોને આઈલોશેન વોર્ડમાં ભરતી કરવામાં આવ્યા છે. એસ.એન. મેડિકલ કોલેજના અધિકારીઓ સાથે ચર્ચા બાદ નવી તારીખો જાહેર કરવામાં આવશે, એમ યુનિવર્સિટિના અધિકારીઓએ જણાવ્યુંં હતું.