(સંવાદદાતા દ્વારા) કોડીનાર, તા.ર૭
“બાતીલ સે દબનેવાલે એ આસમાં નહીં હમ,
સો બાર કર ચૂકા હૈ તું ઈમ્તિહા હમાર.”
દેશમાં આજે મુસ્લિમો માટે પ્રવતિ રહેલી હાલત અંગે અલ્લામા ઈકબાલના ઉપરોક્ત શેર સાથે ભારત દેશની આઝાદીમાં મુસ્લિમ ઉલમા અને સમાજના બલિદાન અને આજના કઠોર હાલત વિશે મૌલાના અહમદ શેખે તકરીર કરી હતી.
કોડીનાર મિમ બોયઝ ગ્રુપ ઉના ઝાંપા દ્વારા કસ્બા જમાતખાનામાં ર૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે જંગે આઝાદીના શિર્ષક હેઠળ યોજાયેલા બયાનમાં મૌલાના અહમદ શેખે જણાવ્યું હતું કે, શરૂઆતમાં અંગ્રેજો સામે ૧પ૦ વર્ષ સુધી ફક્ત મુસ્લિમો જ આઝાદી માટે લડ્યા હતા. જેમાં સેંકડો ઉલમા અને મુસ્લિમોએ શહીદી વ્હોરી હતી. પરંતુ અફસોસ છે કે આજે આપણી પાસે જંગે આઝાદીનો આપણો જ ઈતિહાસ નથી. અને આપણે તેને જાણવાનો પણ પ્રયત્ન કરતા નથી. મૌલાના અહમદે અંગ્રેજો ભારતમાં આવ્યા ત્યારથી લઈ આઝાદી સુધી મુસ્લિમોએ ભજવેલી અતિ મહત્ત્વની ભૂમિકા વિશે લોકોને વિસ્તૃત જાણકારી આપી હતી. અંગ્રેજો અને સિરાજુદ્દીન દોલા વચ્ચે ૧૭પ૭માં થયેલા યુદ્ધમાં સિરાજુદ્દીન દોલાની શહાદત બાદ મુસ્લિમોના આઝાદીના જંગના અસલી હીરો “ટાઈગર ઓફ મૈસુર” ટીપુ સુલતાનની અમૂલ્ય શહાદત અને આખરી મુગલ બાદશાહ બહાદુરશાહ જફરને રંગુનની જેલમાં આજીવન કેદ કરી અપાયેલી દર્દનાક યાતના અને તેમના ૩ દીકરાઓની શહાદત વર્ણવી હતી. તેમજ શાહ અ.અઝીઝ દહેલવી એ અંગ્રેજો સામે જેહાદનો ફતવો આપી જંગે આઝાદીનું બ્યુગલ ફૂક્યું બાદ ૧૮પ૧ બાદ અંગ્રેજો દ્વારા આચરાયેલી મુસ્લિમોની કત્લેઆમ અંગે અંગ્રેજી લેખક મિસ્ટર ટાયસનની બુકનો હવાલો આપી જણાવ્યું હતું કે તેમાં લાખો મુસ્લિમો શહીદ થયા હતા. ઉપરાંત સેંકડો મુસ્લિમ ઉલમાઓને ફાંસીના માચડે ચઢાવાયા તેમજ અનેક ઉલમાઓને આગને હવાલે કરાયા હતા. અગર જો જંગે આઝાદીમાં મુસ્લિમોનું ખૂન વ્હયું ના હોત અને મુસ્લિમોની ખૂનની સુગંધ જંગે આઝાદીમાં મળી ના હોત તો દેશ ક્યારેય આઝાદ ન થાત.
ર૬મી જાન્યુઆરી ૧૯પ૦માં દેશના બંધારણમાં મુસ્લિમોને પણ બંધારણીય હક મળેલા છે. આજની સરકાર શરિયતમાં દખલગિરી કરી મુસ્લિમોના બંધારણીય હક ઉપર તરાપ મારી બંધારણની હત્યા કરી રહી હોવાનું અને આજના બની બેસેલા દેશભક્તો પાસે ફ્કત નારાબાજી સિવાય કશું છે જ નહીં અને મુસ્લિમો પાસે કુરબાનીનો આંખો ઈતિહાસ મોજુદ હોવાનું જણાવ્યું હતું.