જંબુસર, તા.પ
જંબુસર તાલુકાના જંત્રાણના વિદ્યાર્થીની કિડનીમાં ગાંઠ હોય જેની સારવાર અમદાવાદ ખાતે કરાવવાની હોય તાલુકા હેલ્થ ઓફિસરના સહી-સિક્કા માટે બાળકના પિતા ચાર દિવસથી કચેરીમાં આવતા હોઈ કોઈ નહીં મળતા નિસાસો ખાઇ પરત ફરે છે જાણે ધરમનો ધક્કો પડ્યો હોય પુત્રની બીમારીને કારણે પિતા ચિંતિત હૃદયે પોતાની મનો વેદના ઠાલવી હતી.
સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી અલગ-અલગ સહાયરૂપે અનેક યોજનાઓ બહાર પાડવામાં આવી છે. જેનો લાભ જરૂરિયાતમંદો સુધી પહોંચે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ રહે છે. પરંતુ અધિકારીઓના પાપે આ યોજનાઓના લાભ જનતા સુધી પહોંચી શકતા નથી. જેને લઇ જરૂરિયાતમંદ આર્થિક સંકળામણને કારણે લાચાર બની જતાં હોય છે. રફીકભાઇ ઇસ્માઇલભાઇ ખેત મજુરી કરી પોતાના પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે. તેમનો પુત્ર ફરહાન ધોરણ પાંચમાં વીર શહીદ યુસુફ અબ્દુલ ખીલજી જંત્રાણ શાળામાં અભ્યાસ કરે છે સરકાર દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ બાળકની કિડનીમાં ગાંઠ હોય જેની વધુ સારવાર અર્થે એમપી શાહ કેન્સર હોસ્પિટલ અમદાવાદ જવાનું હોઈ વિવિધ કચેરી શાળા ખાતે જે તે અધિકારીના સહી-સિક્કાની જરૂર હોય છે અને શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો સંદર્ભ કાર્ડ મેળવવાનું હોય આ ગરીબ બીપીએલ કાર્ડધારક વિદ્યાર્થી ફરહાનના પિતા રફીકભાઈ ખિલજી છેલ્લા ચાર દિવસથી જંબુસર તાલુકા હેલ્થ કચેરી ખાતે અધિકારીના સહી-સિક્કા માટે દરરોજ જંત્રાણથી બાળકને હવે સારૂં થઈ જશે એવી આશ લઈ આવે છે. પરંતુ તાલુકા હેલ્થ કચેરી ખાતે આવતા અધિકારી નહીં મળતા નિસાસો નાંખી પરત ફરે છે અને ઘરે જઈ બાળકની આંખમાં જે સ્વપ્નાઓ છે તે દીવાસ્વપ્ન જેવું ભાસતા તે રડી પડે છે. તાલુકા હેલ્થ ઓફિસરની ગેરહાજરીને કારણે બાળકની તબિયત પર માઠી અસર પડવાની સંભાવના વ્યક્ત કરતો પિતા વહેલી તકે અધિકારીના સહી-સિક્કા થઇ જાય તેની આશ લઈ બેઠો હોય તંત્ર દ્વારા જે તે અધિકારીનો ચાર્જ અન્ય અધિકારીને સોંપવામાં આવે જેથી આવા અન્ય અરજદારોને પણ ધરમધક્કા ખાવા ન પડે.