(સંવાદદાતા દ્વારા)
જંબુસર, તા.૧૮
હવામાન ખાતાની આગાહીને પગલે ઠેર-ઠેર સાર્વત્રિક વરસાદ અનરાધાર વરસી રહ્યો છે જેને લઈ જંબુસર તાલુકાના ઘણા ગામો સંપર્ક વિહોણા બન્યા જંબુસર તાલુકાના નાડા ગામ પાસે મીઠા ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂલ્યો ફાલ્યો છે. મીઠા ઉત્પાદન માટે બનાવેલા પાળા જ ગ્રામજનો માટે જાણે અભિશાપ રૂપ બન્યા હોય તેમ નાડા ગામની ખરી વિસ્તાર રાઠોડ વાસ માછીવાડ સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા છે તે મીઠાના આગરાના માલિકો દ્વારા બે અગર વચ્ચે જે જગ્યા રાખવી જોઈએ તે રાખી નહીં અને દબાણ કરવામાં આવ્યું છે. ગ્રામજનો દ્વારા પણ સરપંચને રજૂઆત કરવામાં આવી હતી તે અનુસંધાને નાડા સરપંચ દ્વારા તાલુકા વિકાસ અધિકારી મામલતદાર કલેક્ટરને આ બાબતે લેખિત રજૂઆત કરવામાં આવી હતી તેમાં જણાવ્યું હતું કે, મીઠાના અગરના માલિકોએ બે સોલ્ટ વચ્ચે છોડવાની થતી પાણી નિકાલની જગ્યાઓ ઉપર પાળા બાંધી તળાવો બનાવી પોતાના નિજી સ્વાર્થ હેતુ ગામ લોકોને તથા જન-જાન માલને તેમજ ગામ લોકોના ખેતીના પાકને નુકસાન થવા અંગે જણાવ્યું હતું અને મીઠાના અગર માલિકોને બોલાવી પાણીની નિકાલની જગ્યા ખુલ્લી કરવા માગણી કરી હતી.