જંબુસર, તા.૧
અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના દિગ્ગજ નેતા, સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તથા ખજાનચી એવા ભરૂચ જિલ્લાના લોકલાડીલા અને પનોતા પુત્ર અહમદભાઈ પટેલનું અવસાન થતાં અનેક રાજકીય, ધાર્મિક અને સામાજિક ક્ષેત્રે સંકળાયેલ આગેવાનોએ ભાવભીતિ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. અનેક જગ્યાએ કુર્આનખ્વાની તથા પ્રાર્થનાસભાઓ પણ યોજાઈ છે. શ્રદ્ધાંજલિ-ખિરાજે અકીદત પેશ કરવાનો આ સિલસિલો જારી છે.
આજરોજ ભરૂચ જિલ્લાના જંબુસરના મુસ્લિમ પટેલ વેલ્ફેર ઓર્ગેનાઈઝેશન દ્વારા અહમદભાઈને ખિરાજે અકીદત પેશ કરતા જણાવ્યું હતું કે, તેમના જવાથી ભરૂચ જિલ્લાને ન પુરાય તેવી ખોટ પડી છે. મર્હૂમ જિલ્લાના શિલ્પી, ગરીબ, દિન દુઃખી, શોષિત, વંચિત લોકોના પ્રહરી, રાજકીય વર્તુળમાં સૌથી ઈમાનદાર, નિઃસ્વાર્થી અને સૌના રાહબર હતા. સંસ્થાની માગણીને માન આપી અહમદભાઈએ સમાજના ગરીબ અને દુઃખી લોકોની સેવા માટે એક એમ્બ્યુલન્સ આપી હતી. આજે આ એમ્બ્યુલન્સ જંબુસર તાલુકાના છેવાડાના ગામોમાં સેવા આપે છે ખાસ કરીને કોરોના મહામારીમાં વધુ ઉપયોગી નીવડી. અલ્લાહત્આલા મર્હૂમને જન્નતુલ ફિરદૌશમાં આલા મકામ અતા ફરમાવે તથા પરિવારજનોને સબ્રે જમીલ અતા ફરમાવે તેવી દુઆ કરી હતી.