જંબુસર, તા.૧૬
જંબુસર નગરમાં કોરોનાએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હોય એમ વધુ ૨ કેસ જાહેર થતાં નગરમાં ભયનો માહોલ સર્જાયો તથા તેના પગલે જુદા-જુદા વેપારી એસોસિએશને સ્વયંભૂ પોતાનાં વેપાર ધંધા બંધ રાખવાની જાહેરાત કરી છે. જંબુસર નગરમાં કોરોનાએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું હોય તેમ જણાય રહ્યું છે. ગતરોજના એક સાથે આઠ પોઝિટિવ કેસ જાહેર થતાં નગરમાં હડકંપ મચી ગયો હતો. ત્યારે આજે બીજા બે કેસ કોરોના પોઝિટિટના જાહેર થતાં નગરમાં ભયનો માહોલ સર્જાયો છે. નગરના ઢોળાવ ફળીયામાં ફોટો સ્ટુડીઓ ધરાવતા ૬૩ વર્ષીય હસમુખભાઈ પટેલ તથા તેમના પત્ની કુંદન બેન પટેલ (ઉ.વ.૬૨) કે જેઓ સારવાર અર્થે વડોદરા ગોત્રી સ્થિત કોવિડ હોસ્પિટલમાં દાખલ થયા હતા. જેમનો આજે કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો. પતિ અને પત્નીનો રીપોર્ટ પોઝિટિવ આવતા વહીવટી તંત્ર સક્રિય થયું હતું અને ઢોળાવ ફળીયા વિસ્તારને સીલ કરવાની તજવીજ હાથ ધરી છે. બીજી તરફ નગરમાં કોરોનાનો કહેર વધતો જતો હોય નગરમા સંક્રમણના ફેલાય તે માટે બૂટ ચંપલના વેપારીઓ તથા ચોકસી મહાજન દ્વારા પોતાના વેપાર ધંધા એક અઠવાડિયા માટે સ્વયંભૂ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે. તેમજ શાકભાજીના વેપારીઓએ પણ હાલની પરિસ્થિતિને ધ્યાને લઇને પોતાના વેપાર ધંધા અચોક્કસ મુદત સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જયારે અન્ય વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ પોતાના વેપાર ધંધા ૭ (સાત) દિવસ બંધ રાખવા બાબતે મિટીંગનું આયોજન આ લખાય છે ત્યારે કરી રહ્યાં છે. આ સંજોગો જોતાં નગરમાં સ્વયંભૂ લોકડાઉનનો અમલ થાય તો નવાઈ નહીં.

જિલ્લા વિકાસ અધિકારી અને પ્રાંત અધિકારી જંબુસર દોડી આવ્યા

જંબુસર નગરમાં કોરોનાના એકજ દિવસમાં આઠ કેસ પોઝિટિવ આવતાં સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો હતો. અને તેનાં પગલે વહીવટી તંત્ર તથા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું હતું. આજરોજ જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન જંબુસર દોડી આવ્યા હતા અને આરોગ્ય વિભાગ અધિકારીઓ તથા નગરપાલિકા મુખ્ય અધિકારી સહીત કર્મચારી સાથે ચર્ચા કરી નગરમાં તાકીદે આરોગ્ય વિભાગ ધ્વારા નગરના તમામ વોર્ડમાં ટીમો બનાવી સર્વે હાથ ધરવા તથા રોગ પ્રતિકારક શક્તિ વધારવા ડોર ટુ ડોર હોમીયોપેથીક દવનું વિતરણ કરવા સુચના આપી હતી. બીજી તરફ જંબુસર નગર ની કથળેલી પરિસ્થિતિ ને અનુલક્ષીને પ્રાંત અધિકારીએ કે કલસરીયાના અધ્યક્ષ સ્થાને નાયબ પોલીસ અધિક્ષક એ જી ગોહિલ તથા મામલતદાર બી.એ.રોહિતની ઉપસ્થિતિમાં તાકીદની સમીક્ષા મીટીંગ મળી હતી. જેમાં પ્રાંત અધિકારીએ કે કલસરીયા એ ઉપસ્થિત આરોગ્ય વિભાગના અધિકારીઓને જણાવ્યું હતું કે અગાઉ લીધેલ મીટીંગમાં આ મહામારી ને હળવાશથી ન લેવાં જણાવ્યું હતું તેમ છતાં લોકોએ જાગૃતીના અભાવે હળવાશથી લેતા આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.