જંબુસર, તા.ર૯
જંબુસર તાલુકાના બારા વિભાગનાં ટીબી ગામમાં પશુઓમાં ગળા સુધાના રોગને કારણે ભેંસોના મોત નીપજતાં પશુ પાલકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. જંબુસર તાલુકાના કનગામ ગ્રુપ ગ્રામ પંચાયતમાં આવતા ટીંબી ગામના રહીશો ખેતી અને પશુપાલન પર જીવન નિર્વાહ કરે છે. પશુપાલકોને પૂરક કમાણી આપતા દૂધાળા પશુઓ અચાનક મરણ પામતાં પશુપાલકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પશુઓમાં ફેલાયેલો ગળા સુઢાનો રોગ વધુ વકરતો અટકાવવા પશુપાલન ખાતાએ તાત્કાલિક ધોરણે રસીકરણ સારવાર ગામડે ગામડે ઉપલબ્ધ કરાવી સારવાર આપવાની તાતી જરૂરિયાત છે. જંબુસર તાલુકાના ટીંબી બારેજા ગામોમાં પશુઓમાં ફેલાયેલા ગળા સુધાના રોગમાં ટીંબી ગામે આશરે પંદર જેટલી ભેંસના મરણ થયા છે અને બીજા ગામોમાં પણ અનેક પશુઓ આ રોગમાં સપડાયા છે. ગળા સુંઢા રોગમાં પશુઓના ગળા સુજી જાય છે અને ચારો પેટમાં ઉતરતો નથી અને મુંગા પશુ ભેંસના મરણ થાય છે. પશુપાલન પર નભતા અને પશુ ગુમાવનારને યોગ્ય વળતર આપવામાં આવે તેમ સરપંચ શરદ સિંહ રાણા દ્વારા જણાવાયું હતું.