જંબુસર, તા.ર
દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં નિસર્ગ વાવાઝોડું ત્રાટકે તેવી આશંકાને પરિણામે જંબુસર તાલુકરનું વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું. પ્રાન્ત અધિકારી એ.કે.કલસરીયાએ નિસર્ગ વાવાઝોડાની દહેશતના લીધે તાલુકાના તમામ અધિકારી ઓની મીટિંગ કરી જરૂરી સુચના આપી હતી. તેમજ દરિયાકાંઠાના ગામોના તલાટીઓ તથા ગ્રામસેવકોને ગામે હાજર રહેવા તાકીદ કરી હતી. પ્રાન્ત અધિકારી એ કે કલસરીયાના માર્ગદર્શન હેઠળ જંબુસર મામલતદાર બી એ રોહિત તથા તાલુકાવિકાસ અધિકારી કરશનભાઈ પટેલ પોતાની ટીમ સાથે નિસર્ગ વાવાઝોડાના પગલે કોઇ જાનહાનિ ન થાય તે માટે દરિયાકાંઠાના ગામો પૈકી ટંકારી, દેવલા, નાડા,માલપુર, ઇસનપુર ઝામડી,તથા મોરાદપુર, નેઝા ગામના ૬૦૦ જેટલા અસરગ્રસ્તોનાને સોશ્યિલ ડિસ્ટન્સ સાથે ગામની શાળાઓમાં ખસેડયા હતાં. જયાં તેઓની જમવાની વ્યવસ્થા વહીવટી તંત્ર તરફથી કરવામાં આવી હતી. નિસર્ગ વાવાઝોડાના પગલે જંબુસર પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો.અને વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતું. આવાં વાતાવરણ વચ્ચે દરિયા કાંઠાના કેટલાક ગામોમાં વરસાદી ઝાપટા પડયા હતા. આ લખાય ત્યારે વહીવટી તંત્ર સહીત જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ચૌધરી તથા કાવી પોલીસ મથક ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી.વી.પુવાર સ્ટાફ સાથે દરિયાકાંઠાના ગામો ઉપર ચાંપતી નજર રાખી ધનિષ્ઠ પેટ્રોલીંગ કરી રહયાં છે.