(એજન્સી)

નવી દિલ્હી, તા.૨૬

સુપ્રીમ કોર્ટમાં હાલમાં ભૌતિક રૂપે સુનાવણી શરૂ કરવાની શક્યતા નથી કારણ કે આ મુદ્દે વિચાર કરવા માટે રચાયેલ ૭ જજોની પેનલે ૨૪મી જુલાઈએ સંક્રમણ ફેલાતા અટકાવવાના જોખમને ઓછું કરવા માટે વીડિયો કોન્ફરન્સથી જ સુનાવણી ચાલુ રાખવા નિર્ણય લીધો છે. આ નિર્ણય મેડિકલ સલાહને ધ્યાનમાં રાખી અને વકીલો, પક્ષકારો, રજિસ્ટ્રીના કર્મચારીઓ અને જજોની સુરક્ષા અને કલ્યાણને ધ્યાનમાં રાખી લેવામાં આવ્યો છે. ૭ જજોની પેનલ સ્વાસ્થ્ય નિષ્ણાંતોની સલાહને ધ્યાનમાં રાખી બે અઠવાડિયા પછી આ નિર્ણયની સમીક્ષા કરશે. જજ એન. વિ. રામન્નાની આગેવાની હેઠળની પેનલે ૨૪મી જુલાઈએ સાંજે ૪-૩૦ વાગે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના અધ્યક્ષ દુષ્યંત દવે, સુપ્રીમ કોર્ટ ઓન રેકોર્ડ એસોસિએશનના અધ્યક્ષ શિવાજી એમ. જાધવ અને બી.સી.આઈ.ના અધ્યક્ષ મનન કુમાર મિશ્રા સાથે વાતચીત કરી હતી. જજોએ જણાવ્યું કે તેઓ વકીલોની મુશ્કેલીઓ બાબત સંપૂર્ણપણે જાગૃત છે અને ગંભીર રૂપે વિચારી રહ્યા છે અને ધીમે- ધીમે ભૌતિક  કામકાજની સામાન્ય પરિસ્થિતિ બહાલ કરવા ઉત્સુક છે. જો કે એમણે એ પણ કહ્યું કે આ બાબત નિર્ણય સ્વાસ્થ્ય નિષ્ણાંતોની સલાહના આધારે જ પરિસ્થિતિનું મુલ્યાંકન કરાયા પછી લેવામાં આવશે અને બધાની સુરક્ષાને પણ જોવાની છે. પેનલે આશ્વાસન આપ્યું કે કોર્ટમાં મામલાઓની ભૌતિક સુનાવણીની તબક્કાવાર બહાલી અને સુપ્રીમ કોર્ટ પરિસરમાં સામાન્ય સ્થિતિની બહાલી માટે સમયાંતરે અને પ્રક્રિયાઓ બાબત સંબંધિત એસોસિએશનો અને બી.સી.આઈ. સાથે પણ ચર્ચા  વિચારણા કરવામાં આવશે. દરમિયાનમાં પેનલે બારના પ્રતિનિધિઓને ઈ-ફાઈલિંગ અને વીડિયો કોન્ફરન્સિંગ સાથે સંબંધિત વકીલોને થઇ રહેલ મુશ્કેલીઓના ઉકેલ માટે તેઓએ સેક્રેટરી જનરલ અને રજિસ્ટ્રારને મળવા કહ્યું છે. સીજેઆઈ દ્વારા ફરીથી સુપ્રીમ કોર્ટમાં ભૌતિક સુનાવણી ફરી શરૂ કરવાના મુદ્દાને તપાસવા માટે રચાયેલી પેનલમાં ન્યાયાધીશ રામન્ના, અરૂણ મિશ્રા, રોહિંગ્ટન નરીમાન, યુ. યુ. લલિત, એ એમ ખાનવિલકર, ડી. વાય. ચંદ્રચુડ અને એલ. એન. રાવ છે.