(એજન્સી) પટના, તા.૨૨
પટના હાઇકોર્ટે એક અખબારમાં છપાયેલ સમાચારના આધારે સ્વમેળે નોંધ લીધી હતી જેમાં એક જજ ઉપર ૧૮મી ડિસેમ્બરે હુમલો કરવાની હકીકતો જણાવેલ હતી. મુખ્ય ન્યાયાધીશ સંજય કરોલ અને જજ એસ. કુમારે હિલ્સા (નાલંદા)ના એ.ડી.જી. જયકિશોર દુબે ઉપર કથિત હુમલો કરવાના સમાચારો વાંચ્યા હતા. જજ પોતાની અધિકૃત કારમાં હિલ્સામાં મુસાફરી કરી રહ્યા હતા. હિલ્સા પોલીસે પહેલેથી જ ૧૭/૧૨/૨૦ના રોજ આઈ.પી.સી.ની કલમો ૩૪૧, ૩૨૩, ૫૦૪, ૪૨૭, ૩૦૭, ૫૦૬/૩૪ હેઠળ કેસ નોંધ્યો હતો. જોકે એડવોકેટ જનરલે કોર્ટ સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું કે તે સ્થળે ગોળીબારની કોઈ ઘટના બની નથી, જે રીતે અખબારમાં ખબર છપાઈ છે. ફાયરીંગની ઘટના આ ઘટના સાથે સંબંધ ધરાવતી નથી અને એ અન્ય સ્થળે થઇ હતી. એમણે કહ્યું કે આ ઘટના સંદર્ભે એફ.આઈ.આર. નોંધાઈ છે અને તપાસ ચાલી રહી છે અને પોલીસ કાયદા મુજબ પગલાં લેશે. કોર્ટે વધુમાં નિર્દેશો આપ્યા કે લીધેલ પગલાઓનો સંપૂર્ણ રિપોર્ટ આગામી તારીખ સુધી ડી.જી.આઈ. દ્વારા રજૂ કરવામાં આવે. કોર્ટે આગામી સુનાવણી ૨૩ ડિસેમ્બરે રાખી હતી. આ સાથે જોડાયેલ એક અન્ય ઘટના પણ ૨૧મી ઓક્ટોબરના રોજ બની હતી, જેમાં વધારાના ડીસ્ટ્રિકટ જજ ડૉ. દિનેશ કુમાર પ્રધાનને કથિત રીતે ઔરંગાબાદના શહેર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર પ્રણવ દ્વારા ગાળો આપી ધમકીઓ આપવામાં આવી હતી અને એમનો પીછો કરાયો હતો જ્યારે સાંજે તેઓ ફરવા જઈ રહ્યા હતા. આ ઘટનાઓના પગલે જજોના એસોસીએશને સી.જે.આઈ.ને પત્ર લખી જજો ઉપર થતા હુમલાઓને ગંભીરતાથી લઇ પગલાં લેવા વિનંતી કરાઈ હતી.
Recent Comments