(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટના જજ એસ.મુરલીધરની બદલીનો આદેશ કરતી વખતે એમને ઔપચારિક ૧૪ દિવસનો સમય આપવા કેમ ઈન્કાર કર્યો ? શું મંત્રાલય એ હકીકતથી અજાણ હતો કે, આ સમયે જજ એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ કેસ એવા દિલ્હી હિંસાની સુનાવણી કરી રહ્યા છે ? જજ એસ.મુરલીધરે દિલ્હી હિંસાને નહીં રોકવાનો દોષ દિલ્હી પોલીસ ઉપર મૂકી એટર્ની જનરલ તુષાર મહેતાની અને કેન્દ્ર સરકારની ટીકા કરી હતી. એના થોડા જ કલાકો પછી એમના બદલીના આદેશનું નોટિફિકેશન બહાર પાડી દીધું જેની ભલામણ સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ૧રમી ફેબ્રુઆરીએ કરી હતી. આ એક દાખલો છે જે દર્શાવે છે કે, કઈ રીતે ભાજપ સરકાર પોતાની સત્તાનો ઉપયોગ બદલો લેવા માટે કરે છે. ગઈકાલે જ્યારે જજ મુરલીધરે દિલ્હી પોલીસ અને કપિલ મિશ્રા સામે દિલ્હી હિંસા સંદર્ભે પ્રશ્નો કર્યા પછી તરત જ રાષ્ટ્રપતિએ અને સીજેઆઈએ એમની એ જ દિવસે પંજાબ હરિયાણા હાઈકોર્ટમાં બદલીનો આદેશ કરી દીધો. બદલીના આદેશમાં સામાન્ય રીતે અપાતો૧૪ દિવસનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો ન હતો જેનો અર્થ થાય છે કે, આદેશનું અમલ તરત જ કરવું. જજ મુરલીધરે આજે જ દિલ્હી હાઈકોર્ટને અલવિદા કરી દીધી. કાયદા મંત્રીએ કહ્યું કે, બદલીનો આદેશ સુપ્રીમ કોર્ટ કોલેજિયમની ભલામણ મુજબ અને જજની સંમતિ મેળવ્યા પછી કરાયો હતો અને બદલી વખતે સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કરાયું છે. જજ એસ.મુરલીધરને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશે કહ્યું હતું કે, એ પોતાના ઘરે મંગળવારે રાત્રે અરજીની સુનાવણી કરે જેમાં દર્દીઓને એમ્બ્યુલન્સમાં લઈ જવા પોલીસ રક્ષણની માગણી કરાઈ હતી કારણ કે, હિંસાગ્રસ્ત વિસ્તારમાં એમ્બ્યુલન્સને પણ અટકાવાઈ રહ્યું હતું. જજે એ મુજબ સુનાવણી કરી હતી અને પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે, તેઓ પીડિતો અને ડૉક્ટરો સાથે મળી ઘવાયેલ દર્દીઓની સારવારમાં મદદ કરે. બીજા દિવસે જજે કોર્ટમાં દિલ્હી હિંસા સંદર્ભે સુનાવણી કરી હતી જેમાં એમણે દિલ્હી પોલીસને ભાજપ નેતાઓ સામે એફઆઈઆર દાખલ કરવા કહ્યું હતું, જેમણે ટોળાને ઉશ્કેરવા ભાષણો કર્યા હતા. એ જ રાત્રે સરકારે એમની બદલીનો આદેશ જારી કરી નાંખ્યો.