(એજન્સી) નવી દિલ્હી, તા.૧૭
સીબીઆઈ જજ બી.એચ.લોયાના સંદિગ્ધ મોતને કારણે સુપ્રીમ કોર્ટના જજો વચ્ચે પણ ટકરાવ થયો છે ત્યારે નાગપુર પોલીસે આજે દાવો કર્યો હતો કે, લોયાનું મોત શંકાસ્પદ નથી તેઓ હૃદય રોગના હુુમલાના કારણે મૃત્યુ પામ્યા છે. નાગપુર ખાતે એક પત્રકાર પરિષદ યોજી જોઈન્ટ પોલીસ કમિશનર શિવાજી બોઢકેએ જણાવ્યું હતું કે, પોલીસે આ મામલે તપાસ કરી હતી. તેમનું મોત હાર્ટએટેકના કારણે થયું હતું. પોસ્ટમોર્ટમ અને ફોરેન્સિક રિપોર્ટમાં આ બંને સમર્થન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, લોયાના આકસ્મિક મોત અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ અંગે ફરિયાદ પણ નોંધાઈ હતી. પોસ્ટમોર્ટમ અને મેડિકલ રિપોર્ટમાં કંઈ જ સંદિગ્ધ જણાયું ન હતું. તેમના શરીર પર પણ શંકા ઉપજાવે તેવા કોઈ નિશાન ન હતા. પહેલી ડિસેમ્બર ર૦૧૪ના રોજ જજ લોયાનું સંદિગ્ધ અવસ્થામાં મોત થયું હતું. તેઓ શોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટરની સુનાવણી કરી રહ્યા હતા. જેમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આરોપી હતા. લોયાનાં મોત બાદ નવા આવેલા જજે શાહને આરોપ મુક્ત કર્યા હતા.