(એજન્સી) નવી દિલ્હી, તા.ર૦
સોહરાબુદ્દીન શેખ નકલી મુઠભેડ કેસની સુનાવણી કરી રહેલા જજ બી.એચ.લોયાના થયેલા રહસ્યમય મોતની ઘટના અંગે સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદા પછી ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને ખાસ રાહુલ ગાંધી પર આક્રમક બની ગઈ છે. પક્ષના પ્રવકતા લગાતાર કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા છે અને દેશની માફી માંગવાનું કહી રહ્યા છે. એટલું જ નહીં ભાજપે આ મુદ્દો દેશવ્યાપી બનાવવાની યોજના બનાવી છે. તમામ સાંસદોને લેખિત સલાહ અપાઈ છે કે તેમને આ સંદર્ભમાં શું શું કરવાનું છે પરંતુ ભાજપની આ યોજના મીડિયામાં ખુલ્લી પડી ગઈ. ભાજપના નેતા બાલા સુબ્રમણ્યમે આવો પત્ર તમામ સાંસદોને લખ્યો હતો. ૧૯ એપ્રિલ ર૦૧૮ના રોજ સુપ્રીમકોર્ટના ચુકાદા બાદ તરત જ આવો પત્ર સાંસદોને લખાયો હતો જેમાં જણાવાયું હતું કે, સાંસદો લોકલ ટીવી ચેનલો પર તેમની વાત રજૂ કરે. જેમાં જજ લોયાના મોત અંગે અમિત શાહને બદનામ કરનાર રાહુલ ગાંધી દેશની માફી માંગે તેવી વાત કરે. સાંસદોને ઈ-મેઈલ દ્વારા શું બોલવું તેનો મુસદ્દો મોકલી અપાયો હતો. જેમાં વકીલની સહાયતાથી જજમેન્ટની કોપી પણ વાંચી જવી. તમામ સાંસદો કહેવાયું કે કેન્દ્રીય નેતાઓ દ્વારા આ મુદ્દે અગાઉ કરેલ ટ્‌વીટને રિ-ટ્‌વીટ કરે. સાંસદોને વોટ્‌સએપ, એસએમએસ સુવિધાનો ઉપયોગ કરવા પણ કહેવાયું. જેમાં સાત બિંદુઓને જોડેલ મુદ્દાઓ મોકલાયા છે. ગુરૂવારે સુપ્રીમકોર્ટે જજ લોયાના મૃત્યુની તપાસ માટે જનહિત અરજી રદ કરી હતી. કોર્ટે સખ્ત ટિપ્પણી કરી હતી કે ધંધાદારી અને રાજકીય હિત માટે આવી અરજીઓ કરાય છે. કોર્ટે અરજદારો વકીલ દુષ્યંત દવે, ઈન્દિરા જયસિંઘ, પ્રશાંત ભૂષણની ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે જે મુદ્દાઓ પર બજાર કે ચૂંટણીમાં લડાઈ કરવી જોઈએ તે મુદ્દાઓને સુપ્રીમકોર્ટનો અખાડો નહીં બનવા દેવાય.