ભાવનગર, તા.૧૮
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં ૨૦ લાખ કરોડનું પેકેજ અને નાણામંત્રી નિર્મળા સીતારમણની ચાર દિવસની જાહેરાતનાં, દેશની ૧૩૦ કરોડની જનતા સાથેની છેતરપીંડી અને મજાક સમાન છે તેમ દેશનો દરેક નાગરીક માનતો થઈ ગયો છે. નરેન્દ્રભાઈ મોદી ઉપરનો જનતાનો વિશ્વાસ ઉડી ગયો છે. રાહતની જાહેરાતો “ઝાઝવાના જળ’ હોવાની પ્રતિતિ થઈ છે તેમ સી.પી.એમ.નાં કેન્દ્રીય સમિતિનાં સભ્ય અરૂણ મહેતા- મંત્રી પ્રાગજીભાઈ ભાંભીએ જાહેર નિવેદનમાં જણાવેલ છે.
અરૂણ મહેતાએ વધુમાં જણાવેલ છે કે દુનિયાભરના દેશોમાં કોરોના લોકડાઉનમાં પોતાની જનતાને, નાના મોટા ઉદ્યોગોને તથા ખેડુતોને સીધી રોકડ સહાય ચુકવેલ છે. કામદાર કર્મચારીઓના પગારની ૮૦ % રકમો સરકારે ચુકવી છે. ઉદ્યોગ ધંધા અને ખેડૂતોને રોકડી સહાય ચુકવી છ , પરંતુ કેન્દ્ર સરકારે ૨૦ લાખ કરોડની લોલીપોપ દેખાડી રાહત પેકેજને બદલે લોન પેકેજ માત્ર જાહેર કરેલ છે. જનતા સાથેની આ ક્રૂર મજાક છે માત્ર ને માત્ર બજેટ સમયે જાહેર કરેલ યોજનાઓની ફરી જાહેરાતો કરેલ છે.
દેશનાં ૮૦ કરોડ સંગઠીત-અસંગઠીત શ્રમજીવીઓ- ખેત મઝદુરો ભયાનક ભુખમરાની સ્થિતિનો સામનો કરી રહેલ છે અને નજદીકનાં ભવિષ્યમાં જીવન નિર્વાહ માટેની આવકનાં સંજોગો જ રહ્યા નથી ત્યારે કોઈ પણ પ્રકારની રોકડ મદદની જાહેરાત ન કરી હોવાથી- કોરાના કરતા વધુ મોત ભુખમરાથી થશે. બે શર્માનીતો હદ એ છે કે જનતાને કેશ રાહતની જરૂરી ત્યારે મોટા ફાંદેબાજ ઉદ્યોગપતિઓને- બે લાખ કરોડની લોન માફ કરી છે. સાંસદ સભ્યોના વેતનમાં રૂ .૪૯૦૦૦ નો વધારો મેળવી લીધો છે . જયારે કોરોનામાં જીવન ટકાવવામાં ખડે પગે ઉભા રહેનાર ખેડૂતોના દેવા માફ કરવાનો વિચાર પણ કરાયો નથી. ભયાનકે મંદીનો માર અનુભવી રહેલ નાના ઉદ્યોગ ધંધાર્થી ઉપર કોરોના લોક ડાઉનમાં પરિણામે મરણતોલ ફટકો પડયો છે. ૫૦% થી વધુ ઉદ્યોગ ધંધા ઉભા થઈ શકે તેમ નથી તેમાં જનતાને કેશ રાહત અપાઈ ન હોઈને જનતાનાં ખીસ્સામાં પૈસા જ નહોય તો, બજારોમાં માંગ ઉભી જ નહિ થાય પરિણામે લાખોની બેકારી ઉભી થાશે.