(એજન્સી)
નવી દિલ્હી,તા.૨૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કહેવાતા “જનતા કર્ફ્યુ” સમાપ્ત થયા પછી, કેન્દ્રને યાદ અપાવવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે રવિવારે મોડી રાત્રે ટિ્‌વટ કર્યું હતું કે, ૧૪ કલાકના લોકડાઉનની સફળતા પછી ભારતીય અર્થવ્યવસ્થાને હજુ પણ કોરોના વાયરસના પ્રકોપ સામે રક્ષણ મેળવવાની જરૂર છે.
ચિદમ્બરમે ટિ્‌વટ કર્યું હતું કે, “હવે અમે COVID-19ના પરિણામોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર પાસેથી આર્થિક પગલાંની જાહેરાતની અપેક્ષા રાખીએ છીએ.” આ ઉપરાંત પૂર્વ નાણાપ્રધાને COVID-19 વાયરસના ફેલાવોને રોકવાના પ્રયત્નોમાં પોતપોતાના પ્રદેશોમાં લોકડાઉન કરવા બદલ વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓને અભિનંદન પાઠવ્યા હતા.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિતના અનેક રાજ્યોએ ૨૨ માર્ચથી ૩૧ માર્ચ સુધી સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી છે. આમાં જાહેર પરિવહન, સીમાઓ સીલ કરવા અને બિન-આવશ્યક સેવાઓ અને દુકાનો બંધ રાખવાનો સમાવેશ થાય છે.
શુક્રવારે નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે, કોરોના વાયરસ ગ્રસ્ત ક્ષેત્રો માટે પેકેજની જલ્દીથી જાહેરાત કરવામાં આવશે.
જો કે, ભાજપ શાસિત ઉત્તરપ્રદેશ સહિત અનેક રાજ્યોએ રાહત પેકેજો જાહેર કર્યા છે. જેમાં દૈનિક વેતન મજૂરો અને બાંધકામ કામદારોને દર મહિને ૧૦૦૦ રૂપિયા મળશે. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ કહ્યું હતું કે, ૭૨ લાખ લોકોને વિનામૂલ્યે રાશન અને પેન્શન મળશે. ચિદમ્બરમની સાથે, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ પણ કેન્દ્રને અર્થતંત્ર તરફ ધ્યાન આપવા યાદ અપાવી છે.